News Alert: 2000 રૂપિયાની નોટ બાબતે RBIના ગર્વનરે આપ્યું મહત્વનું નિવેદન…

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિદાસ દ્વારા ફરી રૂપિયા 2000ની નોટોને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. RBIના ગર્વનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2000ની ચલણી નોટ બેન્કોમાં પાછી આવવાનું પ્રમાણ યથાવત્ છે હજી પણ બજારમાં રૂ.10,000 કરોડની કિંમતની 2000 રૂપિયાની ચલણી નોટો ફરી રહી છે. જોકે તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આ નોટો પણ પરત આવી જશે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, રૂપિયા 2000ની નોટો પાછી આવી રહી છે અને હવે સિસ્ટમમાં માત્ર રૂપિયા 10,000 કરોડની રૂપિયાની નોટો જ બાકી રહી ગઈ છે અને ટુંક સમયમાં જ આ નોટો પણ બેન્કમાં પાછી આવવાની આશા છે.
આ મહિનાની શરૂઆતમાં જ આરબીઆઈના ગર્વનર દાસે જણાવ્યું હતું કે, પાછી ખેંચવામાં આવી રહેલી રૂ. 2000ની નોટોમાંથી 87 ટકા નોટો તો બેન્કોમાં જમા કરાવવામાં આવી ચૂકી છે અને એ જ રીતે હજી બજારમાં ફરી રહેલી રૂપિયા 2000ની નોટો પણ પાછી આવી જશે.
આ અહીંયા તમારી જાણ માટે કે આ અગાઉ આરબીઆઈએ બેન્કોમાં 2000 રુપિયાની નોટ જમા કરવા માટે 30મી સપ્ટેમ્બરની ડેડલાઈન આપવામાં આવી હતી. પરંતુ, ત્યાર બાદ આરબીઆઈ દ્વારા આ મર્યાદા વધારવામાં આવી હતી અને લોકોને સાતમી ઓકટોબર સુધી આ નોટ જમા કરાવવાની સગવડ કરી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક દ્વારા 19મી મેના રૂપિયા 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત વખતે કુલ રૂપિયા 3.56 લાખ કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટમાંથી 29મી સપ્ટેમ્બર, 2023ના અંત સુધીમાં કુલ રૂપિયા 3.42 લાખ કરોડની નોટ બેન્કોમાં પરત આવી ગઈ હોવાની માહિતી રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવી હતી.