છેતરપિંડીની નવી રીત છે ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ગુનેગારો કરી રહ્યા છે લાખો રૂપિયાની છેતરપિંડી….
નવી દિલ્હી: મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં લોકોની સાથે સાથે ગુનેગારો અને ગુનાખોરી પણ હાઈટેક બની રહી છે. અત્યારના સમયમાં કોઇના ઘરે જઇને ચોર છીંડુ નથી પાડતા પરંતુ ઘરે બેઠા બેઠા જ ઓનલાઇન ચોરીઓ કરે છે. છેલ્લા ઘણા મહિનામાં ઓનલાઈન અને સાયબર ફ્રોડની ઘણી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જેમાં સાયબર ગુનેગારોએ AI જેવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. હવેના સમયમાં ગુનેગારો ઑનલાઇન છેતરપિંડી માટે એક નવી યુક્તિ તૈયાર કરી છે, જેને ‘ડિજિટલ ધરપકડ’ના નામે પણ ઓળખવામાં આવે છે.
આ નવા પ્રકારના સાયબર ફ્રોડની બે ગંભીર ઘટનાઓ દિલ્હી, ફરીદાબાદ અને નોઈડામાં બની હતી. જેમાં આ બંને કેસમાં સાયબર ગુનેગારો ટેક્નોલોજીની મદદથી મહિલાઓને ઈમોશનલી બ્લેકમેલ કરતા હતા.
આપણે જ્યારે પણ ધરપકડ શબ્દ સાંભળીએ તો એમ જ થાય કે પોલીસે કોઇની ધરપકડ કરી હશે પરંતુ હું અહી જે ધરપકડની વાત કરું છું તે છે ડિજિટલ ચોરી તો ચાલો તમને જણાવું કે ડિજિટલ ધરપકડનો અર્થ શું થાય છે. ડિજિટલ ધરપકડનો સીધો અર્થ એ છે કે વ્યક્તિની ડિજિટલી ધરપકડ કરવી એટલે કે તેની સાથે છેતરપિંડી કરવી અને છેતરપિંડી કરવાની આ એક નવી રીત છે. જેમાં પહેલા લોકોને વીડિયો કોલિંગ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે.
જેમાં ટેક્નોલોજીની મદદથી પોલીસ સ્ટેશન કે અન્ય કોઈ ઓફિસ બેકગ્રાઉન્ડમાં બનાવીને સાયબર ગુનેગારો નકલી પોલીસ ઓફિસર અથવા અન્ય એજન્સીઓના તપાસ અધિકારી તરીકે લોકોને ધમકી આપે છે. જેના કારણે સામેના વ્યક્તિને એવું લાગે છે કે જાણે પોલીસ સ્ટેશનમાં બેસીને કોઈ પોલીસ અધિકારી વાત કરી રહ્યો હોય. જેના કારણે વ્યક્તિ ડરી જાય છે. અને પોતાની બધી વિગત આપી દે છે.
ત્યારબાદ આ ગુનેગારો આ તમામ વિગત જેમકે આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક કાર્ડ અથવા બેંક એકાઉન્ટનો ઉપયોગ ગુનાહિત પ્રવત્તિ માટે કરે છે. અને પછી ગમે તેવા આક્ષેપો કરીને પીડિતો પાસેથી પૈસા પડાવી લે છે. આ સાયબર ગુનેગારો એવી પરિસ્થિતિઓ ઊભી કરે છે કે કોઈ પણ વ્યક્તિ નર્વસ થઈ જાય છે જેમ કે કેટલાક કિસ્સાઓમાં પીડિતો સાથે બન્યું છે.
જેના માટે તકેદારી રાખવા માટે ફક્ત નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમકે ખાસ એ બાબત ધ્યાનમાં રાખો કે સામાન્ય રીતે, પોલીસ, સરકારી એજન્સીઓ અને અધિકારીઓ આ રીતે કૉલ કરીને ધમકાવતા નથી કે ડરાવતા નથી. તેથી જો તમને આવો કૉલ આવે છે, તો પહેલા કૉલરની ઓળખ કરો.
કંઇ પણ થાય સામે કોઇ પણ મોટો અધિકારી કે કોઇ ઓળખીતું કેમ ના હોય પરંતુ ક્યારેય અંગત માહિતી આપશો નહીં. ખાસ કરીને બેંક ખાતા, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ સંબંધિત માહિતી ક્યારેય કોઇની સાથે શેર કરશો નહિ. જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારી પર કાનૂની રીતે કોઇપણ આરોપ કરે છે તો ત્યારે તેને ચકાસવા માટે સત્તાવાર ચેનલો દ્વારા સરકારી એજન્સીઓ અથવા અધિકારીઓનો સંપર્ક કરો.