
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાંથી ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું છે. ત્યારે હવે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ આપવા માટે ચૂંટણી પંચે કવાયત હાથ ધરવી પડશે. ઉપરાષ્ટ્રપતિની નિમણૂક માટે એક ચૂંટણી પ્રક્રિયા હોય છે. જે અંગે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે માહિતી આપી છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપે છે?
મીડિયા સાથે વાત કરતા ઓપી રાવતે જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવાનો હોય તેના 60 દિવસની અંદર ચૂંટણી કરાવવી જરૂરી છે. જો ઉપરાષ્ટ્રપતિ અચાનક કોઈ કારણોસર ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે અથવા અન્ય કારણોસર તેમનું પદ ખાલી પડે તો વહેલી તકે ચૂંટણી જોઈએ. સામાન્ય રીતે આવી પ્રક્રિયા 45 થી 50 દિવસમાં પૂરી થઈ જાય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ ભાગ લે છે. તેથી, આ ચૂંટણીમાં લાંબો સમય લાગતો નથી. આ ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ હેઠળ પ્રમાણસર પ્રતિનિધિત્વ દ્વારા થાય છે.
બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ
ઓપી રાવતે જણાવ્યું કે, બંધારણની કલમ 67 મુજબ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. ત્યારબાદ સરકાર રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે તેવું જાહેરનામું બહાર પાડે છે. ત્યારબાદ ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિનું પદ એક બંધારણીય હોદ્દો છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરે છે. તેઓનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણના આર્ટિકલ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.