પહેલા વિઝા રદ થશે પછી ડિપોર્ટ: અમેરિકામાં રહેતા ભારતીયો સમજી લો આ ‘નિયમ’…

અમેરિકામાં કાયમી રહેવા કે જવાની યોજના બનાવતા ભારતીયો માટે અમેરિકાની એમ્બસીએ એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ ભારતીયોને ઓવરસ્ટે (overstay) એટલે કે વિઝા પર મંજૂર થયેલા સમયગાળા કરતાં વધુ સમય રહેવા અંગે ચેતવણી આપી છે. જો આમ કરવામાં આવે તો વિઝા રદ થઈ શકે છે તથા ડિપોર્ટ પણ થઈ શકે છે અને ભવિષ્યમાં અમેરિકા પ્રવેશવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે. આની પાછળનું કારણ એક ગેરસમજણ છે.
‘વિઝા એક્સપાયરી ડેટ’ અને ‘એડમિટ અન્ટીલ ડેટ’ વચ્ચેનો તફાવત
ઘણા લોકો ‘વિઝા એક્સપાયરી ડેટ’ને અમેરિકામાં રહેવાની અંતિમ તારીખ સમજી લેતા હોય છે. પરંતુ અમેરિકામાં રહેવા માટે મંજૂર થયેલો સમયગાળો તમારા વિઝા પર દર્શાવેલી ‘વિઝા એક્સપાયરી ડેટ’ પર આધારિત નથી. તેના બદલે, તે ફોર્મ I-94 પર આપેલી ‘એડમિટ અન્ટીલ ડેટ’ (admit until date) પર આધાર રાખે છે.
આ પણ વાંચો: અમેરિકા H-1B વિઝાના નિયમો બદલશે: નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે?
‘વિઝા એક્સપાયરી ડેટ’ માત્ર એટલું જ દર્શાવે છે કે તમે કયા સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રવેશ કરી શકો છો. તે દેશમાં પ્રવેશ્યા પછી તમે કેટલો સમય રહી શકો છો તે નક્કી કરતી નથી.’એડમિટ અન્ટીલ ડેટ’ જે ફોર્મ I-94 પર આપેલ હોય છે તે અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટેનો તમારો મંજૂર થયેલો સમયગાળો છે. જો કોઈ વ્યક્તિ આ તારીખ બાદ પણ અમેરિકામાં રહે છે, તો તે ઓવરસ્ટે ગણાય છે, પછી ભલે તેનો વિઝા એક્સપાયર થયો ન હોય.
‘ઓવરસ્ટે’ કરવાના પરિણામો
યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘ઓવરસ્ટે’ કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. તમારા વિઝા રદ થઈ શકે છે, તમને દેશમાંથી બહાર કાઢી શકાય છે અને ભવિષ્યમાં વિઝા માટે તમે ગેરલાયક ઠરી શકો છો.
આ ચેતવણી ખાસ કરીને વિદ્યાર્થીઓ (F-1 વિઝા), કામદારો (H-1B વિઝા) અને પ્રવાસીઓ (B-1/B-2 વિઝા) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી દરેક વ્યક્તિએ I-94 પર આપેલી તારીખનું ધ્યાન રાખવું અને તે પહેલાં જ અમેરિકા છોડી દેવું અથવા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા દ્વારા વિઝા લંબાવવા જરૂરી છે.