PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ’: સાઉથ બ્લોક છોડી નવી ઓફીસમાં શિફ્ટ થશે, જુઓ શું છે ખાસિયત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફીસનું એડ્રેસ બદલવા જઈ રહ્યું છે. રાયસીના હિલ નજીક નવું વડા પ્રધાન કાર્યાલય લગભગ તૈયાર છે. કાર્યાલયને અંતિમ સ્પર્શ આપવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ આ મહિનાના અંતમાં વડા પ્રધાન નવા કાર્યાલયથી કામ શરૂ કરી શકે છે.
અહેવાલ મુજબ નવુ વડા પ્રધાન કાર્યાલય સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદ ભવન અને ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન પહેલેથી બનીને તૈયાર છે. આઠમાંથી ત્રણ નવા મંત્રી કાર્યાલયો પણ તૈયાર છે, જેમાં મંત્રાલયનું કામકાજ શરુ થઇ ગયું છે.
અગાઉ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવા વડા પ્રધાન કાર્યાલયને એક્ઝિક્યુટિવ એન્ક્લેવ નામ આપવામાં આવ્યું હતું, તૈયાર થયા બાદ તેનું નામ સેવા તીર્થ રાખવામાં આવશે. આ પરિસરમાં ત્રણ ઇમારતો છે, સેવા તીર્થ 1 માં વડા પ્રધાન કાર્યાલય, સેવા તીર્થ 2 માં કેબિનેટ સચિવાલય અને સેવા તીર્થ 3 માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કાર્યાલય છે.
સેવા તીર્થમાં હાઈ ટેક મિટિંગ રૂમ હશે, આ રૂમોમાં ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને અનુરૂપ ઇન્ટીરીયર બનાવવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકો માટે એક નવો રૂમ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
સ્વતંત્રતા બાદથી વડાપ્રધાન કાર્યાલય વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોના કાર્યાલયો સાથે સાઉથ બ્લોકમાં સ્થિત છે.
વડા પ્રધાનનું નવું નિવાસસ્થાન પણ નવા કાર્યાલયની નજીક બનાવવામાં આવી રહ્યું છે. હાલ વડાપ્રધાન 7, લોક કલ્યાણ માર્ગ પરના નિવાસસ્થાનમાં રહી રહ્યા છે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત, અમેરિકન રાજદૂતે ટ્રેડ ડીલને લઈને કહી સૌથી મોટી વાત



