ટ્રાફિક પોલીસની નવી પહેલ, નિયમો તોડ્યા તો બોસને જશે ઇ-મેલ
બેંગ્લુરૂ: ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને પાઠ ભણાવવા માટે બેંગલુરૂ પોલીસે એક નવી પહેલ કરી છે. આ ખાસ પહેલમાં પોલીસ દ્વારા વોટ્સએપ ચેનલનો ઉપયોગ કરીને રૂલ્સ તોડવાની તમામ માહિતી પકડાયેલા વ્યક્તિના કાર્યસ્થળે ઇ-મેલ વડે મોકલવામાં આવશે. જેથી લોકોમાં ટ્રાફિકના નિયમોના પાલન અંગે વધુને વધુ જાગૃતિ ફેલાઇ શકે.
બેંગ્લુરૂના રસ્તા પર દરરોજ ટ્રાફિકના નિયમોની એસીતેસી કરીને બેફામપણે કાયદાનો ભંગ કરતા લોકો માટે પોલીસે ખાસ પહેલ કરી છે. જો કોઇ વ્યક્તિ પકડાય તો તેની સમગ્ર માહિતી તેના કંપનીના ઇ-મેલ પર તેના ઉપરી અધિકારીને મોકલી આપવામાં આવશે. હજુ આ અભિયાન પ્રારંભિક તબક્કામાં છે, ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રોંગ સાઇડથી આવતા ટુ-વ્હીલર ચાલકોની ઓળખ કરીને એક યાદી તૈયાર કરી રહ્યા છે.
ટ્રાફિકના નિયમોનો જેણે ભંગ કર્યો હોય તે કઇ કંપનીમાં કામ કરે છે ત્યાં તેનો ઉપરી અધિકારી કોણ છે તે અંગેની માહિતી મેળવીને તેમને ઇ-મેલ વડે જાણ કરવામાં આવશે, એલર્ટ મોકલવામાં આવશે. હાલ પૂર્વ બેંગ્લુરૂના મદીવાલા વિસ્તારમાં 48 ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાં આ નિયમ ટ્રાયલ તરીકે લાગુ કરી દેવામાં આવ્યો છે. જે અંગે લોકોના પ્રતિભાવો અને સૂચનો જોયા બાદ સમગ્ર શહેરમાં લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે, તેવું ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું.
મુંબઇ, દિલ્હીની જેમ બેંગલુરૂ પણ ભીષણ ટ્રાફિક સમસ્યા ધરાવતું શહેર છે જ્યાં ખાસ કરીને પિક-અવર્સમાં ભારે ટ્રાફિક જોવા મળે છે, પોલીસે પહેલા પણ ટ્રાફિકના નિયમોના કડકપણે પાલન માટે અનેક અભિયાન ચલાવ્યા હતા, આ પહેલ પણ તેનો જ એક ભાગ છે.