
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં સેન્ટા રેલી આગળ વધી છે અને કરેકશનની શક્યતાની ધૂળધાણી કરતો આખલો ધસમસતો આગળ વધી રહ્યો છે. શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો છે અને સેન્સેક્સે ૭૨,૦૦૦ની અત્યંત મહત્ત્વપૂર્ણ સપાટી વટાવી નાંખી છે.
બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પાછલા સત્રના રૂ. ૩૫૮.૯૧ લાખ કરોડની સામે રૂ. ૨.૩૬ લાખ કરોડ વધીને રૂ. ૩૬૧.૨૦ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે ભારતીય શેરબજારમાં રૂ. ૨,૯૨૬.૦૫ કરોડની લેવાલી નોંધાવી છે.
જોકે, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની પીછેહઠ જોવા મળી હતી. વિદેશી ભંડોળના સતત પ્રવાહ અને આયાતકારો અને બૅન્કો તરફથી અમેરિકન ચલણની માગમાં વધારો થવાને કારણે બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે ૧૬ પૈસા ઘટીને ૮૩.૩૫ની અસ્થાયી સપાટી પર સ્થિર થયો હતો.
બજારના વિશ્ર્લેષકો અનુસાર દેશનું અર્થતંત્ર બળકટ છે અને વૈશ્ર્વિક સ્તરે પણ સાનુકૂળ પરિબળો મોજૂદ હોવાથી તેજીવાળાઓએ ફરી એકવાર શેરબજારની લગામ પોતાના હાથમાં લઇ લીધી છે. મેટલ, કોમોડિટી, ઓટો અને બૅન્કિંગ સેક્ટરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.
અમેરિકાની ફેડરલ રિઝર્વ હવે વ્યાજદર નહીં જ વધારે અને તેમાં કાપ મૂકશે એવું લગભગ નક્કી જ થઇ ગયું છે, જ્યારે સ્થાનિક સ્તરે અર્થતંત્ર ઝડપી વિકાસની દિશામાં હોવાના પણ લક્ષણો દેખાઇ રહ્યાં હોવાથી બજારમાં લેવાલી વધી હતી.
બુધવારના સત્રમાં એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ અને બીએસઈ સેન્સેક્સે અનુક્રમે ૨૧,૬૭૫.૭૫ પોઇન્ટ અને ૭૨,૧૧૯.૮૫ પોઇન્ટની તાજી વિક્રમી ટોચને સ્પર્શ કર્યો છે અને એ જ સાથે, બેન્ક નિફ્ટીએ પણ ૪૮,૩૪૭.૬૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટી બતાવી છે.
એકંદરે તેજીના માહોલમાં સાર્વત્રિક લેવાલીનો ટેકો મળતાં નિફ્ટી ૨૧,૬૦૦ની સપાટી વટાવતો ૨૧,૬૫૪.૭૫ પોઇન્ટની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૭૦૧.૬૩ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકાના ઉછાળા સાથે ૭૨,૦૩૮.૪૩ પોઇન્ટની સર્વકાલીન ઊંચી બંધ સપાટીએ સ્થિર થયો હતો.
સ્થાનિક બજારે નવા વિક્રમી ઊંચાઈએ પહોંચવાનું ચાલુ રાખવા સાથેે પાછલા સપ્તાહના નુકસાનને સરળતાથી સરભર કરી લીધું છે. યુએસ ફેડરલ દ્વારા વ્યાજ દરમાં વહેલો કાપ મૂકાવાના આશાવાદ અને વૈશ્ર્વિક ફુગાવામાં આવેલી ઓટને કારણે શરૂ થયેલી સાન્તાક્લોઝની રેલીને કારણે ઇક્વિટી બજારની તેજીને ટેકો મળ્યો હતો.
ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ચાલુ સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં પણ હકારાત્મક ગતિ ચાલુ છે અને નિફ્ટી-૫૦ બેન્ચમાર્કે દિવસની શરૂઆત મક્કમ નોંધ પર કરી છે.
આરએસઆઇમાં બેરિશ ડાઇવર્જન્સને કારણે મધ્ય સત્રમાં નજીવું કરેક્શન જોવા મળ્યો હતો; જો કે, ઓટો, બૅન્કિંગ અને મેટલ શેરોમાં સત્રના પાછલા ભાગમાં નવેસરની લેવાલી શરૂ થવાને કારણે નિફ્ટી ૨૧૩.૪૦ પોઈન્ટના વધારા સાથે ૨૧,૬૫૪.૭૫ પોઇન્ટના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
દૈનિક ચાર્ટ પર એક મજબૂત બુલિશ કેન્ડલની રચના થઇ છે, જે વર્તમાન તબક્કા અંતર્ગત અપટ્રેન્ડનું વિસ્તરણ સૂચવે છે. હવે ઇન્ડેક્સ માટે આગામી અવરોધક સપાટી ૨૧,૮૬૦ પોઇન્ટની આસપાસ હશે જ્યારે ડાઉનસાઇડ ૨૧,૫૧૦ના સ્તર સુધી બેન્ચમાર્ક સુરક્ષિત જણાય છે.