શું તમે પણ વીમા વિના કાર ચલાવતા હો તો ચેતી જાઓ! દંડ સાથે થઈ શકે કડક કાર્યવાહી | મુંબઈ સમાચાર

શું તમે પણ વીમા વિના કાર ચલાવતા હો તો ચેતી જાઓ! દંડ સાથે થઈ શકે કડક કાર્યવાહી

કેન્દ્ર સરકારે વાહન ચલાવતી વખતે થતા અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાને રાખીને દરેક વાહન માટે વીમા પોલિસી લેવાનું ફરિયાદ નીયમ બનાવ્યો હતો. આ નિર્ણય બાદ પણ રોડ પર ચાલતા મોટા ભાગના લોકો પાસે વીમા પોલીસી હોતી નથી. જ્યારે વાહનમાલિક પણ આ નિર્ણયની અવગણના કરીને વીમા પોલિસી લેતા નથી હોતા. ત્યારે હવે આવી પ્રવૃત્તિને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટર વાહન અધિનિયમમાં ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. નવા નિયમો હેઠળ વીમા વિનાની ગાડી ચલાવનારા પર ભારે દંડ લાગશે. આ ફેરફારો સડક સલામતીને વધારવા અને નાગરિકોને જવાબદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહ્યા છે.

એક અહેવાલ મુજબ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય મોટર વાહન અધિનિયમમાં ફેરફારો કરી રહ્યું છે, જેનો હેતુ સડક સલામતીમાં સુધારો લાવવાનો છે. આ નવા નિયમો હેઠળ વીમા વિનાની ગાડીઓ ચલાવવી મોંઘી પડશે. હાલમાં વીમા વિનાની ગાડી ચલાવનારને પહેલી વખત 2000 રૂપિયા અને બીજી વખત 4000 રૂપિયાનો દંડ થાય છે, પરંતુ નવા નિયમો આ દંડને વધુ કડક કરશે, જેથી લોકો વીમો રાખવા માટે પ્રેરાય.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ: વીમા પોલિસીમાં કયા કયા લાભ કવર થયા છે એ તમને ખબર હોય છે ખરી?

નવા નિયમો અનુસાર, વીમા વિનાની ગાડી ચલાવવા પર પહેલી વખત વીમાના બેઝ પ્રીમિયમનો ત્રણ ગણો દંડ લાગશે, જ્યારે બીજી વખત આ દંડ પાંચ ગણો થઈ જશે. આ પગલાનો હેતુ રસ્તાઓ પર વીમા વિનાની ગાડીઓની સંખ્યા ઘટાડવાનો છે. સરકારનું માનવું છે કે આવા કડક નિયમોથી લોકો વીમો રાખવા માટે જાગૃત થશે, જેનાથી અકસ્માતની સ્થિતિમાં નાણાકીય સુરક્ષા મળશે અને સડક સલામતીમાં સુધારો થશે.

નવા નિયમોમાં સ્પીડ લિમિટને લઈને પણ સ્પષ્ટતા લાવવામાં આવશે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરે છે, જેના કારણે ચાલકોને મૂંઝવણ થાય છે અને અજાણતાં નિયમોનું ઉલ્લંઘન થાય છે. નવા નિયમો હેઠળ નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેની સ્પીડ લિમિટ કેન્દ્ર સરકાર નક્કી કરશે, જ્યારે સ્ટેટ હાઈવે અને સ્થાનિક રસ્તાઓની સ્પીડ લિમિટ રાજ્ય સરકારો નક્કી કરશે.

આ પણ વાંચો: મૂડીબજારમાં પ્રવેશવા સંખ્યાબંધ વીમા કંપનીઓ કેમ કતારમાં આવી ગઈ છે?

આ ઉપરાંત, ડ્રાઈવિંગ લાઇસન્સ માટે પણ નવા નિયમો આવશે. ઝડપી ગાડી ચલાવવી કે નશામાં ગાડી ચલાવવા જેવા ગંભીર ગુનામાં દોષીઓએ લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે ફરીથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડશે. 55 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે ટેસ્ટ આપવો ફરજિયાત બનશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ ફેરફારોનો પ્રસ્તાવ અન્ય મંત્રાલયો અને સંબંધિત વિભાગોને મોકલ્યો છે. તેમનો અભિપ્રાય લીધા બાદ આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. એકવાર કેબિનેટની મંજૂરી મળી જાય આ નવા નિયમો દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ ફેરફારો ભ્રષ્ટાચાર ઘટાડવા અને સડક સલામતીને વધુ મજબૂત કરવામાં મદદ કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button