
New Labour Code: દેશની કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ની પહેલની આગળ ધપાવવા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે શ્રમ (લેબર) સાથે જોડાયેલા 29 કાયદાઓને હટાવી દીધા છે અને તેના બદલે નવા 4 કાયદાઓ ઘડ્યા છે. 21 નવેમ્બરથી નવા 4 લેબર લો અમલમાં આવ્યા છે. જે દેશમાં રોજગારી અને ઔદ્યોગિક વ્યવસ્થાની નવી પરિભાષા આપે છે. જે કર્મચારીઓ માટે પણ ફાયદાકારક છે. લેબર લોના નવા 4 કાયદાઓ કામદારો માટે કેવી રીતે લાભદાયી છે, આવો જાણીએ.
દેશમાં લઘુત્તમ વેતન લાગુ થશે
જૂનો લેબર લો 1930થી 1950 વચ્ચેનો હતો. જે ઇકોનોમી ફ્રેન્ડલી ન હતો. તેમા ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્ક, માઇગ્રન્ટ લેબર જેવી ટર્મ ન હતી. નવા લેબર લોમાં આ તમામને આવરી લેવામાં આવ્યા છે. નવા લેબર લો મુજબ હવેથી દરેક નોકરીદાતાએ હવે નિમણૂકપત્ર(Appointment Letter) આપવું ફરજિયાત છે. દરેક કામદારો લઘુત્તમ વેતનની શ્રેણીમાં આવશે. દેશમાં સમાન રીતે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે. જેથી કોઈનો પગાર એટલો પણ ઓછો ન હોય જેનાથી તેનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જાય. સાથોસાથ નોકરીદાતાએ કામદારોને સમયસર વેતનની ચૂકવણી કરવાની રહેશે.
નવા લેબર લોમાં કર્મચારીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 40 વર્ષથી ઉપરના કર્મચારીઓને મફત વાર્ષિક હેલ્થ-ચેકઅપની સુવિધા મળશે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ આ લાભ મળશે. ખાણ, કેમિકલ, કંસ્ટ્રક્શન જેવા જોખમી ક્ષેત્રો સાથે જોડાયેલા કામદારોને 100 ટકા હેલ્થ સિક્યુરિટીની ગેરંટી મળશે. નવા નિયમોમાં મહિલાઓને પણ સમાન વેતન અને સન્માનની ગેરંટી આપવામાં આવી છે. ટ્રાન્સઝેન્ડરને પણ કામમાં સમાન હક મળશે. કંપની કે સંસ્થા તરફથી સુરક્ષાની ખાતરી સાથે મહિલાઓ નાઇટ શિફ્ટમાં પણ કામ કરી શકશે.
પહેલા વર્ષે મળી જશે ગ્રેચ્યુઇટીનો લાભ
નવા લેબર લોમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કની પણ પરિભાષા આપવામાં આવી છે. જેથી આ નવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પહેલીવાર કાયદેસરની ઓળખાણ મળી છે. આવા કર્મચારીઓને પણ હવેથી PF, વીમો, પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભ મળી શકશે. એગ્રીગેટર્સને તેમના ટર્નઓવરના 1-2 ટકા આપવા પડશે, જે મહત્તમ 5 ટકા સુધી રહેશે. સાથોસાથ કર્મચારીનું EPFO અકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે. જેનાથી અન્ય રાજ્યના કર્મચારીઓને પણ પોર્ટેબિલિટી હેઠળ જોડવામાં આવશે.
ગ્રેચ્યુઇટીને લઈને પણ નવા લેબર લોમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષ નોકરી પૂરી કર્યા બાદ કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ મળતો હતો. પરંતુ નવા લેબર લોમાં કરેલી જોગવાઈ મુજબ હવે કર્મચારીઓને 5 વર્ષની રાહ જોવી પડશે નહીં. તેઓને માત્ર 1 વર્ષમાં ગ્રેચ્યુઇટીનો લાભ મળી જશે. નવા નિયમોમાં ઓવરટાઈમ કરવા પર બમણું વેતન આપવાની ગેરંટી પણ આપવામાં આવી છે.



