નેપાળ પણ હવે ચીનના રસ્તે! 100 રૂપિયાની નવી નોટમાં ભારતના ત્રણ વિસ્તારોને પોતાના ગણાવ્યાં

કાઠમંડુઃ નેપાળ પણ હવે ચીનની જેમ ભારત સામે લડવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે નેપાળે ચીન જેવી હરકત કરી છે. નેપાળે અત્યારે 100 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડી છે. આ ચલણી નોટમાં ભારતના ત્રણ વિસ્તારોને પોતાના અધિકારક્ષેત્રમાં બતાવ્યાં છે. જેના કારણે એક નવો વિવાદ શરૂ થયો છે.
નેપાળની આ હરકતના કારણે ભારત સાથેના સંબંધો બગડી શકે છે. નેપાળની સેન્ટ્રલ બેંકે ગુરુવારે 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી, જેમાં દેશનો સુધારેલો રાજકીય નકશો છાપવામાં આવ્યો છે.
ભારતના ત્રણ વિસ્તારોને નેપાળે પોતાના ગણાવ્યાં
નેપાળે પોતાના દેશના નવા નકશામાં ભારતના ત્રણ વિસ્તારોને પોતાને આધિન દર્શાવ્યાં છે. જેમ ચાઈના પણ ભારતના કેટલાક વિસ્તારોને પોતાના હોવાનો દાવો કરે છે, તેવી રીતે નેપાળે પણ ચીનનો રસ્તો અપનાવ્યો છે. નેપાળમાં અત્યારે નવી સરકાર છે. વિરોધ પ્રદર્શન બાદ નવી સરકાર બની હતી. આ સરકારે નેપાળનો નવો નકશો બહાર પાડ્યો છે. 100 રૂપિયાની આ ચલણી નોટ પર છપાયેલા આ નકશામાં, નેપાળે વિવાદિત કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને તેના દેશના ભાગ તરીકે દર્શાવ્યા છે.
ભારતે નેપાળને શું જવાબ આપ્યો?
ભારતે નેપાળના આ પગલાને એકપક્ષીય અને કૃત્રિમ પ્રાદેશિક વિસ્તરણ ગણાવ્યું છે. નેપાળના આ પગલા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું કે લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા ભારતના અભિન્ન અંગ છે અને નેપાળનું આ પગલું હકીકતમાં ખોટું અને અસ્વીકાર્ય છે.
નેપાળ પાંચ ભારતીય રાજ્યો – સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ – સાથે 1,850 કિલોમીટરથી વધુ લાંબી સરહદ ધરાવે છે. આ પ્રદેશ પર બંને દેશો વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે આ નકશા દ્વારા નેપાળે ફરી નવો વિવાદ શરૂ કર્યો છે.
એનઆરબીએ 100ની નવી ચણણી નોટ બહાર પાડી
નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા આ નોટ બહાર પાડવામાં આવી છે. આ નોટ પર નેપાળના પૂર્વ ગવર્નર ડૉ. મહાપ્રસાદ અધિકારીની સહી છે. આ નોટ પર વિક્રમ સંવત 2081ની તિથિ લખવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે તત્કાલીન વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળની સરકારે મે 2020 માં સંસદ દ્વારા બંધારણીય સુધારો પસાર કરીને નવા નકશાને સત્તાવાર રીતે માન્યતા આપી હતી, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાનો સમાવેશ થાય છે. આ જ સુધારેલો નકશો હવે 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…નેપાળમાં ‘જેન ઝી’ અને રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, કર્ફ્યુ લાગુ



