નેપાળમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ચેતવણી, કાઠમંડુમાં વાહન વ્યવહાર સ્થગિત...
Top Newsનેશનલ

નેપાળમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ચેતવણી, કાઠમંડુમાં વાહન વ્યવહાર સ્થગિત…

કાઠમંડુઃ નેપાળમાં કેટલાય દિવસોથી સતત ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી નેપાળના અનેક વિસ્તારોમાં મોટા ભૂસ્ખલનની ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આવી સ્થિતિને ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે કાઠમંડુમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વરસાદને લઈને પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસ લાંબી યાત્રા ટાળવા સૂચના

નેપાળની સ્થિતિ અંગે વાત કરતા અધિકારીઓએ કહ્યું કે, ‘આગામી ત્રણ દિવસ માટે લાંબી યાત્રા કરવાનું ટાળો, જ્યા સુધી ચેતવણી છે, ત્યા સુધી સાચવેત રહો. બાગમતી અને પૂર્વ રાપ્તી નદીઓ આસપાસ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવાર રાતથી કાઠમંડુ સાથે આખા દેશમાં લગાતાર ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે.

ભારે વરસાદ હોવાથી સ્થાનિક ફ્લાઇટ્સ રદ્દ કરાઈ

હવામાન ખરાબ હોવાથી ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સ્થાનિક ફ્લાઇટ્સ પણ સ્થગિત કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે કાઠમંડુ, ભરતપુર, જનકપુર, ભદ્રપુર, પોખરા અને તુમલિંગતારની ફ્લાઈટ્સ આગાની નવી સૂચના ના મળે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે હવામાન ફરી સારૂ થશે ત્યારે ફરી આ સેવા શરૂ કરી દેવામાં આવશે. તેવું TIAના જનરલ મેનેજર હંસા રાજ પાંડેએ જણાવ્યું હતું.

આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી

વર્તમાનની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો, નેપાળના કોશી, મધેશી, બાગમતી, ગંડકી અને લુમ્બિની વિસ્તારમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી હોવાથી કાંઠમંડુ અને તિબ્બતને જોડતા માર્ગ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે પૃથ્વી હાઇવે, સિદ્ધાર્થ હાઇવે, બીપી હાઇવે અને અરાનિકો હાઇવે પર મુસાફરી કરવી ખૂબ જોખમી હોવાથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button