ભારતની જેમ નેપાળમાં પણ 22 જાન્યુઆરીએ ઉજવાશે દિવાળી….
અયોધ્યા: ભગવાન શ્રી રામ 550 વર્ષ બાદ પોતાના જન્મસ્થળ અયોધ્યા પરત આવી રહ્યા છે. સહુ કોઈ જાણે છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક થશે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે પ્રભુ રામની મૂર્તિ બનાવવા માટે નેપાળનો ગંડકી નદીમાંથી શાલિગ્રામ લેવામાં આવ્યો હતો. આપણા પુરાણોમાં એ વાત નો ઉલ્લેખ જોવા મળે છે કે નેપાળમાં માટે સીતાનું પિયર આવેલું છે. ત્યારે નેપાળની પ્રજા પણ ભગવાન રામની આરાધના વર્ષોથી કરતી આવી છે. આ 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે સમગ્ર દેશ 22 જાન્યુઆરીના દિવસે પોતપોતાના ઘરોમાં દીવા પ્રગટાવીને દિવાળી મનાવશે. વડા પ્રધાન મોદીએ અગાઉ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે 22 જાન્યુઆરી એ સહુ પોતાના ઘરોમાં પ્રભુ રામના અયોધ્યામાં બિરાજમાન થવાની ખુશી મનવજો અને 23 જાન્યુઆરીથી અનંતકાળ સુધી તમે મંદિરે દર્શન કરવા આવજો. જોકે આ નિવેદન બાદ હવે નેપાળવાસીઓ પણ 22 જાન્યુઆરીએ પ્રભુ રામ અયોધ્યામાં બિરાજશે તેનો ઉત્સવ માનવાના છે.
છેલ્લા ઘણા સમયથી રામ મંદિર અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને પણ રાજનીતિ ચાલી રહી છે. અનેક પક્ષોના નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતાં શરમાતા નથી. આ દરમિયાન તમામ પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. જોકે આ બધા વચ્ચે અયોધ્યામાં પ્રભુ રામને બિરાજમાન થવાની વાત જ્યારથી દુનિયાભરમાં વહેતી થઈ છે ત્યારથી નેપાળમાં રાજાશાહી અને હિંદુ રાષ્ટ્રની માંગને લઈને ચળવળ વધુ તીવ્ર બની. થોડા સમય અગાઉ નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ સિંહ શાહદેવનો સન્માન કાર્યક્રમ ભારત-નેપાળ સરહદને અડીને આવેલા ભૈરહવા શહેરમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નેપાળી લોકો ઉમટ્યા હતા. આ દરમિયાન નેપાળના લોકો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ભારતની જેમ નેપાળીઓએ પણ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવવીને દિવાળી ઉજવશે.
નેપાળના નાગરિકોનું કહેવું છે કે તમામ નેપાળી અને હિન્દુ લોકો આ દિવસને લઈને ખુબજ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ અયોધ્યા જવા માંગે છે કારણ કે ભગવાન રામ વિશ્વભરના હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. તેથી જ દરેક નેપાળી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની ઈચ્છા રાખે છે. આ ઉપરાંત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આ તમામ હિન્દુઓ અને સનાતનીઓની સૌથી મોટી જીત છે. આ તહેવાર દિવાળી કરતાં પણ વિશેષ છે. બધા આ દિવસની રાહ જોઈ રહ્યા છે. વિશ્વભરના તમામ ભગવાન રામ ભક્તો અને તમામ ભારતીયો આ દિવસની રાહ જોઈ રહ્યા છે.