ન વસુંધરા રાજે, ન સ્મૃતિ ઈરાની, આ મહિલાને મળી શકે છે ભાજપની કમાન

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરશે. હાલ ઘણા રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આંતરિક સહમતિથી કરવામાં આવશે, ભાજપના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભાજપ દક્ષિણ ભારતના કોઈ રાજ્યમાંથી જવાબદારી સોંપી શકે છે તેવી ચર્ચા છે.
સૂત્રો મુજબ, ભાજપ કોઈ મહિલાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરશે તો મહિલા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોયંબતૂર ધારાસભ્ય વનથી શ્રીનિવાસન કે આંધ્રપ્રદેશના ભાજપ અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરી સૌથી પ્રબળ દાવેદાર છે. દગ્ગુબાતી પુરંદેશ્વરીની પસંદગી પાછળ અનેક કારણ છે. તેઓ 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને સંગઠનાત્મક મામલે તેમનો અનુભવ મહત્ત્વપૂર્ણ છે. હાલ તે આંધ પ્રદેશના ભાજપ અધ્યક્ષ છે અને એક તેજાબી મહિલા નેતા તરીકે જાણીતા છે.
સુષમા સ્વરાજ સાથે થાય છે તુલના
પુરંદેશ્વરીને દક્ષિણના સુષમા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમની શાનદાર ભાષણ ક્ષમતા તથા પાંચ ભાષા પર પકડના કારણે ભાજપ સમર્થકોમાં ઘણા લોકપ્રિય છે. જ્યારે વનથી શ્રીનિવાસન ગૃહ પ્રધાન અમિત શાહના તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થતા જોવા મળ્યા હતા. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું, તેઓ તેમના મોરચામાં અનેક સફળ કાર્યક્રમોના આયોજન માટે જાણીતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમના પર ભરોસો કરી શકે છે.
આ પણ વાંચો…વડા પ્રધાન મોદીએ રમઝાનની શુભેચ્છાઓ પાઠવી; રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ એ પણ પોસ્ટ કરી
સૂત્રો મુજબ, નવા અધ્યક્ષની પસંદગી 50-57 વર્ષ ધરાવતાં લોકોમાંથી જ થશે. આ કારણે હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને રેસમાંથી બહાર કરવામાં આવી શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ રેસમાંથી બહાર હોવાનું જણાવાય છે. ભાજપ જો મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી નહીં કરે તો ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડે પણ સંભવિત ઉમેદવાર છે. આગામી રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવી શકે છે.