NEET-UG: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
નવી દિલ્હી: NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષામાં કથિત પેપર લીક(NEET Paper leak) બાબતે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આજે ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)એ પરીક્ષામાં પેપર લીક થવાના આરોપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે આવા આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.
એક પ્રેસ કોન્ફરન્સમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે,“કોઈ પેપર લીક થયું નથી, હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. લગભગ 1560 વિદ્યાર્થીઓ માટે કોર્ટ દ્વારા ભલામણ કરાયેલું મોડલ અપનાવવામાં આવ્યું છે અને તેના માટે શિક્ષણવિદોની એક પેનલ બનાવવામાં આવી છે.”
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 5 મેના રોજ 4,750 કેન્દ્રો પર NEET પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ 24 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા. મૂળરૂપે, પરિણામ 14 જૂનના રોજ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જવાબ પત્રકોના ઝડપીથી થયેલા મૂલ્યાંકનને કારણે 4 જૂનના રોજ જ પરિણામો જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 67 વિદ્યાર્થીઓએ 720 નો સંપૂર્ણ સ્કોર હાંસલ કર્યો, આવું NTAના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું. હરિયાણાના ફરીદાબાદના એક કેન્દ્રના જ છ વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે આવ્યા, જેને કારણે પરીક્ષામાં ગેરરીતીના આરોપો લાગ્યા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પ્રધાને કહ્યું, “હું વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ખાતરી આપવા માંગુ છું કે ભારત સરકાર અને NTA આ મુદ્દાને પારદર્શક રીતે ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. આ વખતે 24 લાખ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક NEET પરીક્ષા આપી છે.”
સુપ્રીમ કોર્ટમાં NEET-UG 2024 ના પરિણામોને રદ કરવા અને પરીક્ષા ફરીથી કરવા માટે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 5 મેના રોજની પરીક્ષામાં પેપર્સ લીક થઇ ગયા હતા.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, “કેન્દ્રોમાં પ્રશ્નોના બે સેટ હંમેશા હોય છે. તે જ દિવસે, તેમને જાણ કરવામાં આવે છે કે કયા પ્રશ્નોના સેટ ખોલવા જોઈએ. છ કેન્દ્રોમાં, તેઓએ ભૂલથી ખોટો સેટ ખોલ્યો, આ ભૂલને સુધારવા 30-40 મિનિટ લાગી. પ્રશ્નોના બે સેટ રાખવું એ નવું નથી, આ પ્રથા વર્ષોથી ચાલી રહી છે.”
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકારે “મોટા કૌભાંડ” વિશે કશું કહ્યું નથી. ગોગોઈએ કહ્યું, “કોર્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે 1,563 વિદ્યાર્થીઓના સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે, અને તેમને 23 જૂને ફરી પરીક્ષા આપવાનો કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો કેટલાક વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માંગતા ન હોય, તો ગ્રેસ માર્ક્સ આપવામાં આવશે. પરંતુ અમે આ મોટા કૌભાંડ અંગે સરકાર તરફથી કંઈ સાંભળ્યું નથી.”
Also Read –