નવી દિલ્હી: NEET-UG 2024 પરીક્ષામાં ગેરરીતિઓને (NEET paper leak) લઈને સુપ્રીમમાં ચાલી રહેલી તેની સુનાવણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) વિદ્યાર્થીઓનું આખું પરિણામ સાર્વજનિક કરવા હુકમ આપ્યો છે. અને સાથે જ આ પ્રક્રિયાને શનિવાર બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામની સાથે પરીક્ષા કેન્દ્રને પણ જાહેર કરવામાં આવશે. જો કે આ સામગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ વિદ્યાર્થીની ઓળખ છતી ન થાય તેની ખાસ કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે.
નીટ યુજી પરીક્ષામાં પેપર લીકને કારણે વિધાર્થીઓ પરીક્ષા ફરીથી યોજવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ મામલે ત્રણ જજોની બેંચ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેનું નેતૃત્વ CJI ચંદ્રચુડ(CJI Chandrachud) કરી રહ્યા છે. આ મામલે દાખલ કરાયેલી મોટાભાગની અરજીઓની સુનાવણી થઈ ચૂકી છે પરંતુ 40 અરજીઓ પર એક સાથે સુનાવણી ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે NEET પરીક્ષા રદ કરવામાં આવે, જેના પર કોર્ટે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓએ પરીક્ષા યોજવા માટે કેટલીક સાચી અને કાયદેસર દલીલ કરવી જોઈએ.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના દસથી વધુ કોચ ટ્રેક પરથી ખડી પડ્યા, અનેક ઘવાયા
આ સુનાવણી દરમિયાન NTA વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મને આશા છે કે ચીફ જસ્ટિસે બીજો સ્ટેટસ રિપોર્ટ જોયો હશે. જેના પર CJIએ હાં માં જવાબ આપ્યો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે CBIએ અમને તેનો સ્ટેટસ રિપોર્ટ આપ્યો છે, પરંતુ અમે તેને સાર્વજનિક કરી શકીએ નહીં કારણ કે તેનાથી સીબીઆઈની તપાસ પ્રભાવિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે જો તમે અમારી સમક્ષ મોટા પાયા પર ગેરરીતિઓ થઇ હોવાનું સાબિત કરો તો જ પુનઃ પરીક્ષાનો આદેશ આપી શકાય. અરજદાર વિદ્યાર્થીઓના વકીલે કહ્યું કે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે જેમના રેન્ક 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓ વચ્ચે છે, પરંતુ તેમને સરકારી કોલેજ મળી નથી.