NEET PGના કટ ઑફમાં થયો ફેરફાર, તમામ શ્રેણીઓ માટે કટઓફ ટકાવારીમાં ઘટાડો
નવી દિલ્હીઃ NEET PG કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ કાઉન્સેલિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. MCCએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટગ્રેજ્યુએટ (NEET PG 2024) માટે કટઓફ ટકાવારી ઘટાડવાની જાહેરાત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને નેશનલ મેડિકલ કમિશન (NMC) સાથે પરામર્શ કરીને લેવામાં આવેલા નિર્ણય મુજબ 2024માં NEET-PGમાં 15 પર્સેન્ટાઈલ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ચાલી રહેલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં બેઠકો મેળવી શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ હેઠળની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ શનિવારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં સામાન્ય અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે લાયકાતનો સ્કોર 15 પર્સન્ટાઈલ કર્યો હતો. SC, ST, OBC અને PwD કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, કટઓફ 10 પર્સેન્ટાઇલ સુધી લાવવામાં આવ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જુનિયર ડૉક્ટર્સ નેટવર્કે કટઓફ ટકાવારીમાં ઘટાડો કરવા માટે ગયા મહિને મંત્રાલય સમક્ષ માંગણી મૂકી હતી કારણ કે પ્રવેશના બે રાઉન્ડ પછી પણ ક્લિનિકલ અને નોન-ક્લિનિકલ કોર્સ સહિતની ઘણી બેઠકો ખાલી હતી.
આ અંગે જાહેરાત કરતા MCCએ કહ્યું હતું કે, ‘NMC સાથે પરામર્શ કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, NEET PG કાઉન્સેલિંગ 2024 માટે પર્સેન્ટાઇલ ઘટાડવામાં આવ્યા છે.’ નોંધનીય છે કે NEET PG 2024 માટે રાઉન્ડ 3 સીટ એલોટમેન્ટ પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનુમ છે. નોંધાયેલ ઉમેદવારો MCC વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે.
આ પણ વાંચો…Mahakumbh:કુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની બિહારથી ધરપકડ
ઉમેદવારોને કાઉન્સેલિંગ શેડ્યૂલ અને સ્કોરકાર્ડ વિગતો સહિત વધુ માહિતી માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની સત્તાવાર વેબસાઇટ અને NBE વેબસાઇટની મુલાકાત લઈને અપડેટ્સ તપાસવાની સલાહ આપવામાં આવી છે.