NEET પેપર લીકના તાર Maharashtra સુધી પહોંચ્યા, લાતુરથી બે શિક્ષકની ધરપકડ
નવી દિલ્હી : નીટ (NEET)પેપર લીકના(Paper Leak)તાર સતત નવા રાજ્યો સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ એવી આશંકા છે કે પેપર લીકની આ ગેંગ દેશભરમાં ફેલાયેલી છે. આ કેસમાં હવે મહારાષ્ટ્ર (Maharashtra)કનેક્શન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના નાંદેડ ATSએ લાતુરમાંથી બે શિક્ષકોની અટકાયત કરી છે. ધરપકડ કરાયેલા બે શિક્ષકોમાંથી એક લાતુરનો અને બીજો સોલાપુરની જિલ્લા પરિષદ શાળાનો છે. પકડાયેલા બંને આરોપીઓ લાતુરમાં ખાનગી કોચિંગ સેન્ટર પણ ચલાવે છે. નાંદેડ એટીએસે શનિવારે રાત્રે બંને શિક્ષકોની અટકાયત કરી હતી. હાલ બંને શિક્ષકોની સઘન પૂછપરછ ચાલી રહી છે.
ઝારખંડની કોઈ શાળામાંથી પેપર લીક થયું
મહારાષ્ટ્ર પહેલા નીટ પેપર લીકને બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન સાથે જોડવામાં આવ્યું છે. પેપર લીક કેસમાં બિહાર પોલીસે પ્રથમ ધરપકડ કરી હતી. આ પછી ખબર પડી કે ઝારખંડની કોઈ શાળામાંથી પેપર લીક થયું છે. ઉત્તર પ્રદેશમાંથી રવિ અત્રી ગેંગનું નામ સામે આવ્યું હતું. હરિયાણા અને રાજસ્થાનના પરીક્ષા કેન્દ્રોને કારણે આ પરીક્ષા પહેલાથી જ સમાચારોમાં હતી. હરિયાણાના એક જ કેન્દ્રના મોટાભાગના વિદ્યાર્થીઓએ ટોપ કર્યું હતું. આ સાથે જ રાજસ્થાનમાં પેપરના દિવસે ભારે હોબાળો થયો હતો. આ પછી એક કેન્દ્રમાં પરીક્ષા મોડી શરૂ થઈ હતી.
| Also Read: NEET-UG ના 1,563 ઉમેદવારોની છ શહેરમાં આજે પરીક્ષા, શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહેશે
સરકારે શનિવારે ત્રણ મોટા નિર્ણયો લીધા
NEET પરીક્ષામાં છેડછાડના મામલે સરકારે શનિવારે ત્રણ મોટા નિર્ણયો લીધા છે. તેના પહેલા નિર્ણયમાં, સરકારે સુબોધ કુમાર સિંહને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના મહાનિર્દેશકના પદ પરથી હટાવ્યા છે. તેમના સ્થાને પ્રદીપ સિંહ ખારોલાને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની કમાન સોંપવામાં આવી છે. તેના બીજા નિર્ણયમાં, સરકારે રવિવારે યોજાનારી NEET પરીક્ષાને સ્થગિત કરી દીધી છે. ત્રીજા મોટા નિર્ણયમાં સરકારે NEET-UG ગેરરીતિ કેસની તપાસ CBIને સોંપી છે.