નેશનલ

Exam Emergency: NEET પેપર લીક બાદ હવે UGC-NET પણ રદ, વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ

નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલયે બુધવારે રાત્રે UGC NET પરીક્ષા રદ કરી હતી અને કહ્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મંગળવાર, 18 જૂને UGC-NET જૂન 2024 ની પરીક્ષા પેન અને પેપર (OMR) મોડમાં દેશભરના વિવિધ શહેરોમાં બે શિફ્ટમાં હાથ ધરી હતી. NTA દ્વારા આયોજિત NEET મેડિકલ પ્રવેશ પરીક્ષા પણ પ્રશ્ન હેઠળ છે અને હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

હવે UGC-NETની પરીક્ષા રદ થતાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. નોંધનીય છે કે આ વખતે NTAએ OMR શીટ પર ઑફલાઇન મોડમાં પરીક્ષા યોજી હતી. સમગ્ર દેશમાં 317 કેન્દ્રો પર 11.21 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, પરીક્ષા રદ થતાં હવે સમગ્ર કવાયત ફરી હાથ ધરવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી મળેલા ઈનપુટના આધારે UGC NET પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

NEET પેપર લીક અને NET પરીક્ષા રદ થયા બાદ વિપક્ષ ખૂબ જ નારાજ છે અને તેણે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકારને આડે હાથ લીધી હતી અને વડાપ્રધાનને પૂછ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી NEET પરીક્ષા અંગે ક્યારે ચર્ચા કરશે. કોંગ્રેસે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારને “પેપર લીક સરકાર” ગણાવી હતી અને સવાલ કર્યો હતો કે શું હવે શિક્ષણ પ્રધાન જવાબદારી લેશે? કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ UGC-NET 2024 પરીક્ષા રદ થવાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું અને જવાબદારીની માંગ કરી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button