NEET EXAM: અનિયમિતતાઓની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કોંગ્રેસે કરી માંગ
નવી દિલ્હીઃ કોંગ્રેસે તબીબી અભ્યાસક્રમો માટે લેવાતી નીટ (NEET EXAM)માં અનિયમિતતાઓ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી અને ભાજપ પર યુવાનોને છેતરવાનો અને તેમના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ મૂક્યો હતો.
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પેપર લીક, હેરાફેરી અને ભ્રષ્ટાચાર નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) સહિતની ઘણી પરીક્ષાઓનો અભિન્ન ભાગ બની ગયા છે. તેમણે એક્સ પર હિન્દીમાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ માટે મોદી સરકાર સીધી રીતે જવાબદાર છે. ભરતી પરીક્ષામાં બેસનાર ઉમેદવારો માટે, પછી અનેક અનિયમિતતાઓનો સામનો કરવો, પેપર લીકની ભુલભુલામણીમાં ફસાઇ જવું, તેમના ભવિષ્ય સાથે રમી રહ્યા છે. ભાજપે દેશના યુવાનો સાથે છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો : ઓનલાઈન ફ્રોડ રોકવા RBIએ મહત્વની જાહેરાત કરી, ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ શરુ કરશે
તેમણે આગળ જણાવ્યું કે અમે માંગ કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે જેથી કરીને નીટ અને અન્ય પરીક્ષાઓમાં હાજર રહેલા અમારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન્યાય મળે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કથિત અનિયમિતતાઓને લઇને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી અને તપાસ દ્વારા વિદ્યાર્થીઓની કાયદેસર ફરિયાદોનું નિરાકરણ લાવવા હાકલ કરી હતી.
નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ)ના પ્રભારી કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઇએ અને જો પરીક્ષણમાં કોઇ વિસંગતતા જોવા મળે તો તે ફરીથી હાથ ધરવામાં આવવી જોઇએ. તેમણે ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓની આત્મહત્યા તરફ ધ્યાન દોરતા કહ્યું કે પેપર લીક સામે કડક પગલાં લેવાની જરૂર છે કારણ કે પેપર લીક માફિયા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.
એનએસયુઆઇના વડા વરુણ ચૌધરીએ જણાવ્યું હતું કે નીટમાં પેપર લીક અને પરિણામની હેરાફેરી અંગે સરકાર મૌન છે. એનટીએ શંકાના દાયરામાં છે કારણ કે પેપર લીકનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં એવા સ્કોર્સ મેળવ્યા હતા જે ક્યારેય શક્ય નહોતા. તેમણે ઉમેર્યું હતું કે આ બધા એનટીએ પર પ્રશ્નો ઉભા કરે છે.