NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ
પટના : નીટ( NEET)પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે પેપર લીક થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નામ આ સાથે જોડીને આક્ષેપ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે NEET પેપર લીક કરનાર ગેંગના સભ્યો પટનાના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને તેનું બુકિંગ તેજસ્વી યાદવના અંગત સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં બુકિંગ કરતી વખતે તેજસ્વી યાદવ માટે ‘મંત્રી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જુનિયર એન્જિનિયરને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો
આ અંગે વિજય સિન્હાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને વિસ્તૃત આક્ષેપો કર્યા છે. વિજય સિન્હાએ કોલ ડિટેલ્સ સહિતના ઘણા દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું, ‘1 મેના રોજ, તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારના મોબાઈલ નંબર પરથી 1 મેના રોજ રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા પ્રદીપ કુમારને રાત્રે 9.07 વાગ્યે કોલ આવ્યો હતો. આ કોલ સિકંદર કુમાર યાદવેન્દુ માટે રૂમ બુક કરાવવાના હેતુથી કરવામાં આવ્યો હતો. પ્રદીપ કુમારે આ બાબતની કોઈ નોંધ લીધી ન હતી. ત્યારબાદ 4 મેના રોજ સવારે 8 વાગ્યે પ્રીતમ કુમારે ફરી ફોન કર્યો. આ વખતે પ્રદીપ કુમારે માર્ગ બાંધકામ વિભાગના જુનિયર એન્જિનિયરને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો.
કયા મંત્રી અને કયા લોકોએ ગેસ્ટ હાઉસનો ઉપયોગ કર્યો
વિજય સિંહાએ કહ્યું કે પેપર લીકના આરોપોની બિહારની આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીની તપાસમાં પેપર લીકની આશંકા વધી ગઈ છે. તેણે કહ્યું હતું કે, ‘અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ. ગેસ્ટ હાઉસમાંથી જે લોકો પકડાયા હતા તેમની સાથે તેના સંબંધ છે તેમાંથી એક પ્રીતમ છે. લોકો કહે છે કે તે તેજસ્વી યાદવ સાથે જોડાયેલો છે.
અમે આ સમગ્ર મામલે માહિતી એકઠી કરી રહ્યા છીએ. ચૂંટણીના કારણે અમે હજુ સુધી સંપૂર્ણ માહિતી મેળવી શક્યા નથી. આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જણાવવું પડશે કે કયા મંત્રી અને કયા લોકોએ ગેસ્ટ હાઉસનો ઉપયોગ કર્યો હતો.
Also Read –