
નવી દિલ્હી: ભારતનો સ્ટાર જેવલીન થ્રોઅર ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા હવે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નીરજને લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત (Neeraj Chopra Lieutenant Colonel (Honorary)) કર્યું હતું.
આજે બુધવારે દિલ્હીના સાઉથ બ્લોકમાં પિપિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનનાં માનદ પદનું ચિહ્ન ઔપચારિક રીતે એનાયત કરવામ આવ્યું હતું. આ સન્માન મળ્યું એ સમયે નીરજ ચોપરાના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નીરજને દ્રઢતા, દેશભક્તિ અને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ ભારતની ભાવનાના પ્રતિક ગણાવ્યો હતો.
ધ ગેઝેટ ઓફ ઈન્ડિયા મુજબ નીરજની 16 એપ્રિલ 2025થી લેફ્ટનન્ટ કર્નલ પદ પર વરની કરવામાં આવી છે.
સુબેદાર તરીકે કારકિર્દીની શરૂઆત:
નોંધનીય છે, નીરજે ભરતીય સેનામાં સેવા આપી છે. તે 26 ઓગસ્ટ, 2016 ના રોજ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે સામેલ થયો હતો. રમતગમતમમાં સારા પ્રદર્શન બાદ તેને 2021 સુબેદાર તરીકે પ્રમોશન મળ્યું હતું. વર્ષ 2022 માં તેને સુબેદાર મેજર તરીકે બઢતી આપવામાં આવી.
નીરજને મળેલા સન્માન:
એથ્લેટિક્સમાં તેની સિદ્ધિઓ માટે નીરાજને 2018 માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નીરજે ટોક્યો ઓલિમ્પિક 2020 ગોલ્ડ મેડલ જીત્યો. દેશ માટે સતત સારા પ્રદર્શન બદલ તેને 2021 માં પ્રતિષ્ઠિત ખેલ રત્ન પુરસ્કાર પર એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ 2022 માં ભારતીય સેના દ્વારા તેને પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તે જ વર્ષે, તેને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી પણ તેનું સન્માન કરવામાં આવ્યો.
નીરજ ઈજાથી પરેશાન:
નોંધનીય છે હાલ નીરજ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરી શક્યો ન હતો, તેણે 84.03 મીટરનો થ્રો કર્યો હતો અને આઠમા સ્થાને રહ્યો હતો. જ્યારે આ જ ટુર્નામેન્ટમાં ભારતનો સચિન યાદવ 86.27 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહ્યો હતો.
આ પ્રદર્શન બાદ નીરજે કહ્યું કે તેને પીઠમાં હજુ પણ સમસ્યા છે. તેણે કહ્યું કે જીવન અને રમતમાં આવું થયા કરે છે.
નીરજ હવે આવતા વર્ષે યોજાનારી એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે મેહનત કરી રહ્યો છે.