એનડીએની બેઠકમાં બિહાર ચૂંટણી, જાતિ આધારિત વસ્તી ગણતરી અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દિલ્હી એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ હિસ્સો લીધો હતો. આ બેઠકમાંથી ત્રણ મહત્વપૂર્ણ રાજકીય અને વ્યૂહાત્મક રણનીતિ પર ચર્ચા થઈ હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા પર નિર્ણાયક પગલાંની પ્રશંસા કરવા, સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થનમાં પ્રસ્તાવ અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અંગે વ્યાપક ચર્ચા થઈ. આ સાથે જ બિહાર વિધાનસભા ચૂંટણી અંગે એનડીએની રાજકીય રણનીતિના સંકેતો પણ મળ્યા હતા.
ઓપરેશન સિંદૂરથી ભારતીયોમાં ગર્વની નવી ભાવના પેદા થઈ
આ બેઠકમાં ઓપરેશન સિંદૂર અને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અભિનંદનના સંકલ્પ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી અને કહ્યું કે ઓપરેશન સિંદૂરથી ભારતીયોમાં આત્મવિશ્વાસ અને ગર્વની નવી ભાવના પેદા થઈ છે.
બે ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા
એનડીએની મહત્વપૂર્ણ બેઠકનો હેતુ રાજકીય તેમજ સુશાસન અને વિકાસ માટે નવી યોજનાઓ છે. બિહારની ચૂંટણી પણ એક મુદ્દો છે. આ બેઠકની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. તેમજ બે ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા.
જાતિનો ડેટા એકત્રિત કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા
ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સશસ્ત્ર દળો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા માટે પ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બીજા ઠરાવમાં આગામી વસ્તી ગણતરી દરમિયાન જાતિનો ડેટા એકત્રિત કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી હતી. આ પગલું ખાસ કરીને બિહાર જેવા રાજ્યમાં સામાજિક સંતુલન અને પ્રતિનિધિત્વની માંગણીઓના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. બિહારમાં જાતિ આધારિત રાજકારણ પર એનડીએએ વિપક્ષને ઘેરવાની તક આપવા માંગતું નથી.
એનડીએ-3ની રચના પછી આ પહેલી મોટી બેઠક
નિષ્ણાતો માને છે કે આ પ્રસ્તાવ માત્ર સામાજિક ન્યાય પ્રત્યે એનડીએના અભિગમને મજબૂત બનાવતો નથી પણ આ મુદ્દા પર વિપક્ષના એકાધિકારને પણ પડકાર આપે છે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરી અને જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર અભિનંદન પ્રસ્તાવ આગામી ચૂંટણીઓ માટે એનડીએની તૈયારીઓનો સંકેત આપે છે. 2024 માં એનડીએ-3ની રચના પછી આ પહેલી મોટી બેઠક હતી.
બેઠકમાં 18 નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા
આ અગાઉમાં બેઠકમાં હાજરી આપવા પહોંચેલા પીએમ મોદીનું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. એકનાથ શિંદે, પવન કલ્યાણ અને અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફીયુ રિયો હાજર રહ્યા હતા. તેમજ 18 નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો…આસામમા એનડીએની જીત, રાભા હાસોંગ કાઉન્સિલની ચૂંટણીમાં 36 માંથી 33 બેઠકો જીતી…