ચૂંટણી જીતવા NDA એ વર્લ્ડ બેંકનું ફંડ ડાયવર્ટ કર્યું! પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીનો આરોપ

પટના: શુક્રવારે જાહેર થયેલા બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની જન સુરાજ પાર્ટીને શરમજનક હાર મળી, 238 બેઠકો પર ચૂંટણી લડવા છતાં પાર્ટીને એક પણ બેઠક ના મળી. આ હારના કારણો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, એવામાં જન સુરાજ પાર્ટી એ દાવો કર્યો છે કે NDA ગઠબંધને વર્લ્ડ બેંકમાંથી મળેલા ફંડને ડાયવર્ટ કર્યું છે.
એક ન્યુઝ એજન્સી સાથે ઈન્ટરવ્યું દરમિયાન જન સુરાજ પાર્ટીના પ્રવક્તા પવન વર્માએ આરોપ લગાવ્યો કે અન્ય પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક તરફથી મળેલા ફંડનો કેન્દ્ર સરકારે દુરપયોગ કર્યો, આ ફંડને બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મહિલા મતદારોમાં વહેંચવામાં આવ્યું.
ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન મહિલા રોજગાર યોજના હેઠળ બિહારની 1.25 કરોડ મહિલા મતદારોના બેંક ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.
બિહારની તિજોરી ખાલી:
પવન વર્માએ જણાવ્યું કે બિહારનું જાહેર દેવું 4.06 લાખ કરોડ રૂપિયા છે, જેનું દરરોજનું વ્યાજ 63 કરોડ રૂપિયા છે અને બિહાર સરકારની તિજોરી ખાલી છે. આ સાથે પવન વર્માએ દાવો કર્યો હતો કે મહિલાઓને આપવામાં આવેલા રૂપિયા વર્લ્ડ બેંક તરફથી કેન્દ્ર સરકારને કોઈ અન્ય પ્રોજેક્ટ માટે મળેલા ₹21,000 કરોડમાંથી લેવામાં આવ્યા હતા.
પવન વર્માએ કહ્યું, “ચૂંટણી માટે નૈતિક આચારસંહિતા લાગુ થવાના થોડા કલાક કલાક પહેલા, ₹14,000 કરોડ કાઢીને રાજ્યની 1.25 કરોડ મહિલાઓને વહેંચવામાં આવ્યા હતા,”
પવન વર્માએ કહ્યું કે આ દાવો ખોટો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું, “જેમ મેં કહ્યું છે, આ મને આવી માહિતી મળી છે. જો આ માહિતી ખોટી હોય, તો હું માફી માંગુ છું. પરંતુ જો તે સાચી હોય, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ નૈતિક છે કે નહીં.”
આ પણ વાંચો…જનસુરાજ પાર્ટીનું સૂરસૂરિયું, પ્રશાંત કિશોરને રાજકારણ છોડવું પડશે?



