નેશનલ

પશ્ચિમ બંગાળના Sandeshkhaliની એનસીએસટીની ટીમે મુલાકાત લીધી ૨૩ ફરિયાદ મળી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના હિંસાગ્રસ્ત સંદેશખાલીની મુલાકાતે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ(એનસીએસટી)ની ટીમ ગુરૂવારે સવારે પહોંચી હતી. અહીં સ્થાનિકો સાથે વાતચીત દરમિયાન બળજબરીપૂર્વક જમીન પચાવી પાડવાની અને ત્રાસની ૨૩થી વધુ ફરિયાદો મળી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

એનસીએસટી કાર્યકારી વાઇસ-ચેરપર્સન અનંતા નાયકે જણાવ્યું હતું કે તેમને એક રાજકારણી વિરુદ્ધ ફરિયાદો પણ મળી છે, જેનો તેઓ રાષ્ટ્રપતિને તેમના અહેવાલમાં સમાવેશ કરશે એમ અધિકારીએ ઉમેર્યું હતું.

નાયકે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓએ(સંદેશખાલીના રહેવાસીઓએ) એક રાજકીય નેતાના નામનો ઉલ્લેખ કર્યો છે. અમે તેને અમારા રિપોર્ટમાં સામેલ કરીશું. અમને અત્યાર સુધીમાં ૨૩થી વધુ ફરિયાદો મળી છે. અમે આ(તેમના તારણો)ને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે સરખાવીશું અને પછી તેને રાષ્ટ્રપતિને સબમિટ કરીશું.

એનસીએસટી ટીમની મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગની એક ટીમ આ વિસ્તારની મુલાકાતે આવ્યાના દિવસો બાદ આવી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ(એનએચઆરસી)એ બુધવારે રાજ્ય સરકાર અને પોલીસ વડાને આ વિસ્તારમાં ચાલી રહેલી હિંસા અને માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે નોટીસ જારી કરી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને એનએચઆરસીએ સંદેશખાલીમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓમાં ઓન-સાઇટ તપાસ દ્વારા તથ્યો ચકાસવા માટે તેની ટીમને મોકલવાનો પણ નિર્ણય લીધો છે.

સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના પ્રબળ નેતા શાહજહા શેખ અને તેના સમર્થકો પર બળજબરીપૂર્વક જમીન હડપવાનો અને જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button