Sandeshkhali: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનું પ્રતિનિધિમંડળ સંદેશખાલીની મુલાકાત લેશે

કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં તૃણમુલ કોંગ્રેસ(TMC) કાર્યકર્તાઓ કથિત રીતે મહિલાઓનું જાતીય શોષણ કરતા હોવાના આરોપ લાગ્યા બાદ આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. એવામાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) નું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે ગુરુવારે સંદેશખાલીની મુલાકાત લેશે અને સ્થાનિક લોકો સાથે વાત કરશે.
રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના સભ્યોની મુલાકાતના થોડા દિવસો બાદ NCSTની આ મુલાકાત થઈ રહી છે. NCSTના કાર્યકારી પ્રમુખ અનંત નાયકે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ત્યાં લોકોને મળીશું અને તેમની ફરિયાદો સાંભળીશું.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ બુધવારે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર અને પોલીસ વડાને આ વિસ્તારમાં ચાલી રહેલી હિંસા અને માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે નોટિસ જાહેર કરી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NHRCએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં સ્થિત સંદેશખાલીમાં ‘માનવ અધિકાર ઉલ્લંઘન’ની ઘટનાઓની તપાસ અને તથ્યોની ચકાસણી કરવા માટે તેની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.
સંદેશખાલીની સંખ્યાબંધ મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર બળજબરીથી જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.