NCRB રિપોર્ટ: મહિલાઓ વિરુદ્ધ ગુનામાં દિલ્હી અને સાયબર ક્રાઇમમાં કર્ણાટક મોખરે

નવી દિલ્હી: ગુનાખોરી એ એક એવી બાબત છે, જેને અટકાવવાના પ્રયાસો કરતા છતાં તે સંપૂર્ણપણે અટકતી નથી. ભારત સરકારના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા દર વર્ષે રાજ્ય પ્રમાણે ગુનાખોરીના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં NCRB દ્વારા જાહેર કરાયેલા 2023ના ગુનાખોરીના આંકડાઓમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે.
મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં વધારો
NCRBનો દ્વારા રજૂ કરવામાં આવતો અહેવાર કયા ક્ષેત્રોમાં કયા પ્રકારના ગુનાઓ વધ્યા છે અને ક્યાં સુધારો થયો છે તેની માહિતી આપીને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનો તાગ આપે છે. જોકે, 2023ના રિપોર્ટમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ તથા સાયબર અને આર્થિક ગુનાઓમાં ઝડપી વધારો થયાની વાત સામે આવી છે.
દિલ્હીમાં એકવાર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે દેશના તમામ મુખ્ય શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે. 2023માં દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના 13,366 કેસ નોંધાયા હતા, જ્યારે મુંબઈમાં 6,025 અને બેંગલુરુમાં 4,870 કેસ નોંધાયા છે. જોકે, NCRBના 2022ના રિપોર્ટની સરખામણીમાં આ કેસમાં 5.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2022માં આ આંકડો 14,247નો હતો. આ ગંભીર ગુનાઓમાં બળાત્કાર, છેડતી, ઘરેલુ હિંસા અને દહેજ મૃત્યુ જેવા કેસોનો સમાવેશ થાય છે. એકંદર ગુનાઓની દ્રષ્ટિએ પણ દિલ્હીએ ઘણા રાજ્યો અને શહેરોને પાછળ છોડી દીધા છે.
સાયબર ક્રાઇમમાં 31.2 ટકાનો વધારો
હત્યા, ચોરી તથા મહિલા અને બાળકો વિરૂદ્ધ થતા અત્યાચાર સિવાય આજના સમયમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે. NCRBના 2023ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમમાં 31.2 ટકાનો મોટો વધારો નોંધાયો છે. 2022માં સાયબર ક્રાઇમના 65,893 કેસ નોંધાયા હતા. જ્યારે 2023માં આ કેસનો આંકડો વધીને 86,420 પર પહોંચ્યો છે. જે પૈકી 21,889 કેસ સાથે કર્ણાટક રાજ્ય સાયબર ક્રાઇમમાં પ્રથમ ક્રમે છે. કર્ણાટક બાદ તેલંગણામાં 18, 236 અને ઉત્તર પ્રદેશમાં 10, 794 કેસ નોંધાયા છે. આ કેસોમાં 69 ટકાથી વધારે કેસ ફ્રોડને લગતા છે.
ઉલ્લેખનીય છે કે, NCRBના 2023ના રિપોર્ટ અનુસાર 2,04,973 આર્થિક ગુનાઓ નોંધાયા હતા. 2022માં નોંધાયેલા આર્થિક ગુનાઓની સરખામણીએ તેમાં 6 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં આર્થિક અને ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
આપણ વાંચો: આતંકનું તાંડવઃ પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલામાં દસનાં મોત, 33 ઘાયલ…