NCPCRએ રાહુલ ગાંધી પર પોકસો હેઠળ FIRની કરી માંગ, દિલ્હી હાઇ કોર્ટને જણાવ્યુ આ કારણ

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ દિલ્હી હાઈકોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ 2021માં સગીર દલિત રેપ પીડિતાના પરિવારનો ફોટો ટ્વીટ કર્યો હતો, જે કાયદાનું ઉલ્લંઘન છે. અને માંગ કરી છે કે તેને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવે.
NCPCRએ દિલ્હી પોલીસને રાહુલ ગાંધી વિરુદ્ધ POCSO હેઠળ FIR નોંધવા માટે નિર્દેશ પણ માંગ્યો છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ આ કેસ સાથે જોડાયેલા લોકો પાસેથી 8 અઠવાડિયાની અંદર સોગંધનામું માંગ્યું છે. આગામી સુનાવણી 23 નવેમ્બરે થશે.
જો આ મૂળ ઘટનાની વાત કરવામાં આવે તો આ મામલો દિલ્હી કેન્ટના જૂના નાંગલ ગામનો છે. જ્યાં 1 ઓગસ્ટ, 2021ના રોજ 9 વર્ષીય સગીર સ્મશાનગૃહના વોટર કુલરમાંથી પાણી લેવા ગઈ હતી. જ્યાં આ સગીર દલિત બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે સ્મશાનના મંદિરના પૂજારી રાધે શ્યામ સહિત 4 લોકો આરોપી છે.
મૃતક બાળકીની માતાનો આરોપ છે કે આરોપીઓએ તેમની મરજી વિરુદ્ધ જ બાળકીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી નાંખ્યો હતો. પોલીસ મુજબ એવું કહેવામા આવ્યું હતું કે બળાત્કાર બાદ પૂજારી અને તેના સાથીઓએ બાળકીના પરિવારને બોલાવીને કહ્યું હતું કે બાળકીનું મૃત્યુ વોટર કુલરના વીજ શોકથી થયું છે.
NCPCRએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે પણ પોતાનું કામ સંપૂર્ણપણે કર્યું નથી. તેણે વિવાદાસ્પદ ટ્વીટને તેના પ્લેટફોર્મ પરથી હટાવવી જોઈતી હતી પરંતુ તેણે તેને માત્ર ભારતીય ડોમેનમાંથી જ હટાવી દીધી હતી. NCPCRએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનો ગુનો હજુ પણ યથાવત્ છે કારણ કે પોસ્ટ ફક્ત ભારતમાં જ રોકી દેવામાં આવી છે. આ પોસ્ટ ભારત બહાર ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે પીડિતાના પરિવારની ઓળખ છતી કરતી ફોટોવાળી ટ્વીટ વિશ્વના તમામ દેશોના ડોમેનમાં હાજર જ છે.
FIR નોંધવાની માગણી કરતી અરજી પર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સચિન દત્તાની બેંચે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ને નોટિસ પાઠવી હતી અને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. આ અરજી સામાજિક કાર્યકર મકરંદ સુરેશ મ્હાડલેકરે 2021માં દાખલ કરી હતી.