NCP SP પાર્ટીનો સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો! આ શહેરમાં ઓફીસ ખાલી કરાવવામાં આવી
પટના: નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી-શરદ પાવર જૂથ (NCP-SP) મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ગત વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર 10 જ બેઠકો મળી હતી. NCP-SPનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો સમાપ્ત થઈ ગયો છે, બિહારની રાજધાની પટના સ્થિત પાર્ટીના કાર્યાલયની ફાળવણી રદ કરવામાં આવી હતી, ગુરવારે પાર્ટીની ઓફીસ ખાલી (NCP SP Patna office vacated) કરવામાં આવી હતી.
વહીવટી તંત્રની કાર્યવાહી:
ગુરુવારે પટના જિલ્લા વહીવટી તંત્રની રીમ વીરચંદ પટેલ પથ ખાતે આવેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયને ખાલી કરાવવા પહોંચી હતી. રાજ્યના મકાન અને બાંધકામ વિભાગના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રના કર્મચારીઓએ બિલ્ડિંગમાંથી બધો સમાન બહાર કાઢીને રસ્તાની બાજુમાં મૂકી દીધો હતો. આ બધી વસ્તુઓ લાંબા સમય સુધી રસ્તા પર પડી રહી.
આ પણ વાંચો: …તો બીડના સરપંચનો જીવ બચી ગયો હોત: NCP (SP)ના નેતાનો દાવો
મકાનની ફાળવણી રદ કરવામાં આવી:
ઓફિસ ખાલી કરાવવા માટે મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીઓના મતે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પક્ષોની યાદીમાં નથી આવતું. ગયા વર્ષે 14 નવેમ્બરના રોજ, વિભાગે પાર્ટીને વીરચંદ પટેલ પથ પર ઓફિસ માટે ફાળવવામાં આવેલા મકાનની ફાળવણી રદ કરી હતી.
રાજ્યના મકાન અને બાંધકામ વિભાગે જિલ્લા મેજિસ્ટ્રેટને ઇમારત ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે. ગુરુવારે સુરક્ષા દળો સાથે ટીમ વીરચંદ પટેલ પથ પહોંચી અને ઓફિસ ખાલી કરાવી હતી.