તેલંગાણાના જંગલમાં એન્કાઉન્ટરમાં 7 નક્સલવાદીઓ ઠાર, હથિયારો જપ્ત…
હૈદરાબાદ: તેલંગાણા પોલીસને માઓવાદીઓ વિરુદ્ધ આભિયાનમાં મોટી સફળતા (Telangana Police) મળી છે. મુલુગુ જિલ્લાના જંગલો (Milugu District)માં રવિવારે પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા. માઓવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો, ત્યાર બાદ પોલીસે વળતો જવાબ આપ્યો હતો. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Chhattisgarh માં સુરક્ષા દળોને મળી સફળતા, સુકમામાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા
જંગલમાં સર્ચ ઓપરેશન:
અહેવાલો અનુસાર, તેલંગાણા પોલીસના સ્પેશીયલ નક્સલ વિરોધી ફોર્સ ‘ગ્રેહાઉન્ડ્સ’એ જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સશસ્ત્ર માઓવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, માઓવાદીઓએ પોલીસ ફોર્સ પર ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી. આ દરમિયાન થયેલા ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદીઓમાં તેલંગાણા સ્ટેટ કમિટીના સચિવ કુરસમ મંગુ ઉર્ફે ભદ્રુ અને પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ના નેતાનો પણ સમાવેશ થાય છે. પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી બે AK-47 રાઈફલ્સ સહિત અનેક હથિયારો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે.
બાતમીને આધારે કરી કાર્યવાહી:
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માઓવાદી જૂથો રાજ્યમાં હિંસક ગતિવિધિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે પોલીસને તેમના લોકેશનની માહિતી મળી હતી. ત્યારબાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ એનકાઉન્ટર બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અન્ય કોઈ માઓવાદીઓ છુપાયેલા છે કે કેમ તે જાણવા માટે પોલીસ આસપાસના જંગલોમાં સર્ચ ઓપરેશન આગળ વધારી રહી છે.
આ પણ વાંચો : “હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા
સંગઠન પર પ્રતિબંધ:
CPI (Maoist) ને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત અને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રભુત્વ જાળવી રાખવા માટે હિંસક પ્રવૃતિઓ કરે છે. જેની વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.