યોગી આદિત્યનાથ નહીં, પણ આ છે દેશના સૌથી લોકપ્રિય સીએમ…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે. દેશભરના મીડિયા હાઉસ દેશના લોકોનો મિજાજ જાણવા કામે લાગી ગયા છે અને વિવિધ સર્વેક્ષણો કરી લોકોને મજેદાર માહિતી પીરસી રહ્યા છે. તાજેતરમાં એક જાણીતા મીડિયા હાઉસે દેશના સૌથી લોકપ્રિય મુખ્ય પ્રધાન કોણ એ અંગે સર્વે હાથ ધર્યો હતો અને તેના તારણો બહાર પાડ્યા હતા.
આ સર્વે મુજબ ઓડિશાના નવીન પટનાયક દેશના સૌથી લોકપ્રિય મુખ્ય પ્રધાન છે . આ સર્વે દેશના મુખ્ય પ્રધાનોની લોકપ્રિયતા અને મંજૂરીના રેટિંગને માપવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે અનુસાર નવીન પટનાયકની લોકપ્રિયતા 52.7 ટકા હતી. 51.3 ટકા લોકપ્રિયતા રેટિંગ સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બીજા સ્થાને છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ 48.6 ટકા રેટિંગ મેળવ્યું હતું, જ્યારે ચોથા સ્થાને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 42.6 ટકા રેટિંગ સાથે કબજો કર્યો હતો. ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાએ 41.4 ટકાની પ્રશંસનીય લોકપ્રિયતા રેટિંગ હાંસલ કરી, તેમને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું..
સર્વેક્ષણના પરિણામો બાદ, ત્રિપુરાના લોકોએ મુખ્ય પ્રધાન માણિક સાહાના સમર્પણ, સાદગી અને તેમના નેતૃત્વમાં રાજ્ય દ્વારા હાંસલ કરેલા વિકાસની પ્રશંસા કરી હતી. ત્રિપુરાના એક સ્થાનિક દુકાનદારે મુખ્ય પ્રધાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “CM સાહા ખૂબ જ પ્રમાણિક છે, અને હંમેશા પાયાના સ્તરે કામ કરે છે. તે કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે હંમેશા હાજર હોય છે,” તો કાશીપુરમાં એક દુકાનના માલિક દીપક દેબનાથે સીએમ સાહા હેઠળ રાજ્યની પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી હતી, “મુખ્ય પ્રધાન માણિક સાહાના નેતૃત્વમાં અમે ખૂબ સારી સ્થિતિમાં છીએ. તેમના માર્ગદર્શન હેઠળ, ત્રિપુરામાં દરેક વ્યક્તિ ધીરે ધીરે વિકાસ કરી રહી છે,” એમ દીપક દેબનાથ જણાવ્યું હતું.
ભાજપ સાથે જોડાયેલા અને ડેન્ટિસ્ટમાંથી રાજકારણી બનેલા માણિક સાહાએ માર્ચ 2023માં સતત બીજી મુદત માટે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ છોડીને 2016માં ભાજપમાં જોડાનાર ડેન્ટલ સર્જન માણિક સાહા માર્ચ 2022 માં રાજ્યસભામાં ચુંટાયા હતા.
બીજુ જનતા દળના નવીન પટનાયક 22 વર્ષથી વધુ સમયથી ઓડિશાના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 22મા મુખ્ય પ્રધાન છે. 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથે સતત બીજી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.