
નવી દિલ્હીઃ હિંદ મહાસાગરમાં ચાંચિયાઓની વધી રહેલી કનડગતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ ખડેપગે રહ્યું છે, જેમાં તાજેતરમાં ઈન્ડિયન નેવીએ સાત બલ્ગેરિયન નાગરિકોને બચાવ્યા હતા, જ્યારે તેમને ટૂંક સમયમાં ઘરે પણ મોકલવાના અહેવાલ છે. ભારતીય નૌકાદળની બહાદુરીને બલ્ગેરિયન રાષ્ટ્રપતિએ બિરદાવી હતી.
ભારતીય નૌકાદળના બલ્ગેરિયન જહાજ અને તેના ક્રૂને ચંચિયાઓથી બચાવવા બદલ બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રુમેન રાદેવની કૃતજ્ઞતાની અભિવ્યક્તિને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દરિયાઈ સ્વતંત્રતાની સુરક્ષા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાંચિયાગીરી અને આતંકવાદનો સામનો કરવા માટેના ભારતના સમર્પણની પુનઃ પુષ્ટિ કરી હતી.
પ્રમુખ રાદેવે એક્સ પર તેમની હ્રદયપૂર્વકની પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું ભારતીય નૌકાદળના અપહરણ કરાયેલા બલ્ગેરિયન જહાજ ‘રુએન’ અને સાત બલ્ગેરિયન નાગરિક સહિત તેના ક્રૂને બચાવવાની સાહસિક કાર્યવાહી માટે પીએમ નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
જવાબમાં મોદીએ કહ્યું કે, અમને આનંદ છે કે સાત બલ્ગેરિયન નાગરિક સુરક્ષિત છે અને ટૂંક સમયમાં ઘરે પરત ફરશે. ભારત દરિયાઈ સ્વતંત્રતાની સુરક્ષા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાંચિયાગીરી અને આતંકવાદ સામે લડવામાં અડગ રહે છે.
દરમિયાન, બલ્ગેરિયાના વિદેશ પ્રધાન મારિયા ગેબ્રિયલએ શનિવારે એક ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેમણે એમવી રુએન પર ભારતીય નૌકાદળના ઓપરેશન અંગે બલ્ગેરિયામાં ભારતીય રાજદૂત સંજય રાણા સાથે વાતચીત કરી હતી અને બલ્ગેરિયાના નાગરિકોને બચાવવા બદલ તેમનો આભાર માન્યો હતો.