કોંગ્રેસના મંચ પરથી PM મોદીનું અપમાન: વિવાદ વધતા ઉમેદવારે માગી માફી, ભાજપે આકરા પ્રહારો કર્યા

દરભંગાઃ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાએ રાજકીય વર્તળોમાં વિરોધ વંટોળ ઊભા કર્યા હતા. આ મામલે ભાજપ નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે આ કાર્યક્રમના આયોજક નૌશાદે એક વીડિયો દ્વારા માફી માગી અને સ્પષ્ટતા કરી છે. તેમણે શંકા વ્યક્ત કરી કે વીડિયો સાથે એડિટિંગ દ્વારા છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે.
દરભંગાના અતરબેલમાં રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ માટે નૌશાદે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો એક વીડિયો સામે આવ્યો, જેમાં એક વ્યક્તિ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરતો સંભળાય છે. આ વીડિયો વાયરલ થતા ભાજપે તેનો સખત વિરોધ કર્યો. નૌશાદે 90 સેકન્ડના વીડિયોમાં માફી માંગતા જણાવ્યું કે તે મોદીનું સન્માન કરે છે અને આવી ભાષા ખોટી છે.
નૌશાદની સ્પષ્ટતા પછી માફી માગી
નૌશાદ, જે જાલે વિધાનસભા બેઠક પરથી ટિકિટનો દાવેદાર છે. જો કે, જાલે વિધાનસભા બેઠક પર હાલ ભાજપના જીવેશ મિશ્રા ધારાસભ્ય છે. નૌશાદે જણાવ્યું કે વીડિયોમાં એડિટિંગ દ્વારા ખોટી રીતે રજૂઆત કરવામાં આવી હોઈ શકે છે. તેણે કહ્યું કે આવું કૃત્ય કરનાર વ્યક્તિએ ખોટું કર્યું છે અને તે આ ઘટના માટે દિલથી માફી માંગે છે. આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપે આ ઘટનાને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપનું કહેવું છે કે રાહુલના મંચ પરથી મોદી વિરુદ્ધ ગાળાગાળી કરવામાં આવી, જે સહન કરી શકાય તેમ નથી. નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું કે આવી ભાષા વાપરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, અને રાહુલ ગાંધી તેમજ તેજસ્વી યાદવે માફી માંગવી જોઈએ. બિહાર સરકારના મંત્રી સંજય સરાવગીએ આવા કોંગ્રેસ નેતાઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માગ કરી છે.
ભાજપે આ ઘટનાને કોંગ્રેસ અને આરજેડી દ્વારા બિહારમાં માહોલ બગાડવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવ્યું છે, ખાસ કરીને રાહુલ ગાંધીની યાત્રા અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં. નૌશાદની માફી અને વીડિયો એડિટિંગની શંકા હોવા છતા, ભાજપે આ મુદ્દાને મોટો રાજકીય મુદ્દો બનાવ્યો છે, જેનાથી રાજકીય ચર્ચાઓ વધુ તીવ્ર બની છે.