
નવી દિલ્હી: આજે બુધવારે દેશભરમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ હડતાળનું એલાન આપ્યું છે. દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના સંયુક્ત સંગઠને આ હડતાળનું નેતૃત્વ સંભાળ્યું છે, જેમાં ખેડૂત સંગઠનો અને ગ્રામીણ મજૂર યૂનિયનોનો પણ સમાવેશ થાય છે. આ આંદોલન દ્વારા કેન્દ્ર સરકાર પર મજૂર-વિરોધી, ખેડૂત-વિરોધી અને કોર્પોરેટ-તરફી નીતિઓનો આરોપ લગાવવામાં આવ્યો છે.
શું ખુલ્લું રહેશે અને શું બંધ?
લગભગ 25 કરોડથી વધુ શ્રમિકો આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ભાગ લેવાના છે. આ હડતાળના કારણે બેંકિગ, ટપાલ સેવા, પરિવહન, ઔદ્યોગિક ઉત્પાદન અને વીજ પુરવઠા જેવી આવશ્યક સેવાઓમાં મોટા પ્રમાણમાં અડચણો ઊભી થઈ શકે છે. બેંકો અને એટીએમની સેવાઓ પણ આંશિક રીતે બંધ રહેવાની શક્યતા છે, જોકે ઔપચારિક બેંક રજા નથી. વીજ ક્ષેત્રના 27 લાખથી વધુ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાવાની શક્યતા છે, જેનાથી વીજ પુરવઠો અસરગ્રસ્ત થઈ શકે છે. જ્યારે સ્કૂલ અને કોલેજ, ખાનગી ઓફિસો, ટ્રેન સેવાઓ શરૂ રહેશે. ઉલ્લેખનીય છે કે ટ્રેન સેવાઓના સમય આગળ પાછળ થઈ શકે છે.
ભારતબંધને કોનું સમર્થન મળ્યું ?
આ હડતાળને ઓલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ (AITUC), હિંદ મજૂર સભા (HMS), સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યૂનિયન્સ (CITU) જેવા સંગઠનોનો ટેકો છે. સંયુક્ત ખેડૂત મોરચો અને સેલ્ફ-એમ્પ્લોઈડ વુમન્સ એસોસિએશન (SEWA) જેવા સંગઠનો પણ આ આંદોલનમાં જોડાયા છે. રેલવે, એનએમડીસી અને સ્ટીલ ઉદ્યોગના કર્મચારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે. રેલવે સેવાઓમાં વિલંબ થવાની શક્યતા છે, પરંતુ સંપૂર્ણ બંધની જાહેરાત નથી.

બિહારમાં વિરોધ પ્રદર્શન
ભારત બંધના એલાનના પગલે બિહારના મુઝફ્ફરપુરમાં, આરજેડી કાર્યકરોએ સવારે 6 વાગ્યાથી જ રસ્તા પર વિરોધ શરૂ કરી દીધો હતો. ટાયરો સળગાવીને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યારે જહાનાબાદમાં પેસેન્જર ટ્રેનને રોકીની નારા બાજી કરવામાં આવી હતી.
કેમ આપવામાં આવ્યું ભારતબંધનું એલાન?
આ હડતાળનું મુખ્ય કારણ ચાર નવા શ્રમ કોડનો અમલ છે, જેનો ટ્રેડ યૂનિયનો વિરોધ કરી રહી છે. જાહેર ઉપક્રમોનું વધતુ ખાનગી કરણ પણ આ આંદોલનનું એક મુખ્ય કારણ છે. આ ઉપરાંત મનરેગા જેવા ગ્રામીણ રોજગાર કાર્યક્રમોને મજબૂત બનાવવાની માગ ટ્રેડ યુનિયનોની માગણી કરી રહ્યું છે. આ ઉપરાંત કામના કલાકો વધારે છે અને નોકરીની સુરક્ષા અને યોગ્ય વેતનને ઓછી હોવાનો વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે. અગાઉ 2020, 2022 અને 2024 પણ આવી હડતાલો થઈ હતી, જેમાં લાખો શ્રમિકોએ ભાગ લીધો હતો.