
નવી દિલ્હી: સમગ્ર દેશમાં 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના 150 વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 7 નવેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ” ની 150મી વર્ષગાંઠની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે, ત્યારે જમ્મુ કશ્મીરમાં આ મુદ્દે ઇસ્લામનો પ્રશ્ન ઊભો થયો છે.
મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમાએ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર પર સવાલ ઉઠાવ્યો હતો. સરકારે તમામ શાળાઓને આપેલા આદેશ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે જેમાં વંદે માતરમ પર સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા જણાવવામાં આવ્યું છે. ઈસ્લામિક સંસ્થાનું કહેવું છે કે, વંદે માતરમના આયોજનમાં શામિલ થવા માટે કહેવું તે ઇસ્લામની વિરુદ્ધનું છે. તેમણે આ આદેશને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં આરએસએસની હિંદુત્વ વાળી વિચારધારા થોપવાનો પ્રયાસ છે.
દિલ્હીમાં પાર્ટી હેડ ક્વાર્ટરમાં ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું હતું કે અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વંદે માતરમના 150 વર્ષના ઇતિહાસ પર પ્રદર્શન, એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન અને એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન શામેલ હશે. ભાજપ આ સિદ્ધિની ઉજવણી ઉત્સવ સાથે કરવાની પણ યોજના બનાવી રહી છે. “આ પ્રસંગની યાદમાં 7 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
એમએમયુએ કહ્યું હતું કે, “મુસ્લિમ સમુદાયને પોતાના દેશ પ્રત્યે ઊંડો પ્રેમ છે, પરંતુ તે પ્રેમ સેવા, કરુણા અને સમાજ પ્રત્યે યોગદાન દ્વારા વ્યક્ત થવો જોઈએ – ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ જતા કોઈપણ કાર્ય દ્વારા નહીં. સંગઠને કહ્યું કે કોઈપણ મુસ્લિમ વિદ્યાર્થી અથવા સંસ્થાને તેમની શ્રદ્ધા વિરુદ્ધ જતી કોઈપણ પ્રવૃત્તિમાં જોડાવા માટે દબાણ કરવું અન્યાયી અને અસ્વીકાર્ય છે.
૨૦૨૫માં વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ છે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત આપણું રાષ્ટ્રીય ગીત, “વંદે માતરમ”, અક્ષય નવમીના શુભ પ્રસંગે લખાયેલું માનવામાં આવે છે, જે ૧૮૭૫માં ૭ નવેમ્બરના રોજ આવે છે. વંદે માતરમ સૌપ્રથમ સાહિત્યિક સામયિક ‘બંગદર્શન’માં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે અને બાદમાં ૧૮૮૨માં એક સ્વતંત્ર પુસ્તક તરીકે એક શ્રેણી તરીકે પ્રકાશિત થયું હતું. તે સમયે, ભારતમાં મોટા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનો થઈ રહ્યા હતા અને રાષ્ટ્રીય ઓળખ અને વસાહતી શાસનના વિરોધની ભાવના વધી રહી હતી. માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાનું પ્રતીક માનતા આ ગીતે ભારતની એકતા અને આત્મસન્માનની જાગૃત ભાવનાને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપી. આ ગીત ટૂંક સમયમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિનું કાયમી પ્રતીક બની ગયું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ, બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જાહેરાત કરી કે સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર “વંદે માતરમ” ગીતને રાષ્ટ્રગીત “જન ગણ મન” ની સાથે સમાન સન્માન આપવામાં આવશે.
આપણ વાંચો: ટેકનિકલ ખામી વચ્ચે લોકશાહીનો ઉત્સાહ: નાલંદા અને પટનામાં EVM ખરાબ થતા મતદાન અટક્યું



