કાનપુર બાદ હરદોઇમાં ટ્રેનમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટનો પ્રયાસ

ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટના કરાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોય એવું લાગે છે. રોજેરોજે ટ્રેન દુર્ઘટનાના બનાવો જાણવા મળી રહ્યા છે. ટ્રેક પર પથ્થરો, સિલિન્ડર મૂકીને કે ટ્રેનમાં બ્લાસ્ટ કરાવીને અકસ્માત કરાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. યુપીના કાનપુર બાદ હવે હરદોઇમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે એવી આશંકા જતાવી છે કે દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. આ ઘટના બાદ રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે આ અંગે તમામ એંગલથી તપાસ કરી રહી છે. આવો આપણે શું મામલો છે એ જાણીએ.
દુર્ગિયાના એક્સપ્રેસ (12357) કોલકાતાથી અમૃતસર જઈ રહી હતી ત્યારે યુપીના હરદોઈમાં OHE વાયર સાથે અથડાતા જોરદાર વિસ્ફોટ થયો હતો. ટ્રેનના ડ્રાઈવરે ઇલેક્ટ્રિક લાઈનમાં કંઈક લટકતું જોયું અને ટ્રેનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ટ્રેન સવારે 3.30 કલાકે લખનઊથી રવાના થઇ હતી અને પાંચ વાગે ઉમરતલી સ્ટેશન ખાતેથી પસાર થઇ રહી હતી ત્યારે ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. જેને કારણે લાઇનમાં વિસ્ફોટ થયો હતો અને ખામી સર્જાઈ હતી. આ દુર્ઘટનાને કારણે ઈલેક્ટ્રીક પાવર લાઈન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ટ્રેન વ્યવહાર પણ થંભી ગયો હતો. ત્યાર બાદ ભારે જહેમત બાદ સવારે સાત વાગે ડિઝલ એન્જિન સાથે ટ્રેનને ફરી શરૂ કરવામાં આવી હતી.
રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટ્રેનો ઇલેક્ટ્રીક પોલના કેબલ સાથે ટકરાય એવું ક્યારેય બન્યું નથી. તેથી આ મામલો ટેક્નિકલ ખામી કરતા માનવીય છેડછાડનો લાગે છે. આ ટ્રેક પરથી દુર્ગિયાના એક્સપ્રેસ પહેલા પણ ટ્રેનો પસાર થઇ હતી, જેની સાથે તો આવી દુર્ઘટના નહોતી બની. આ ઘટના બાદ અપ અને ડાઉન બંને લાઇનોને ટ્રેનોને બીજે વાળવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં ટ્રેન દુર્ઘટનાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય. આ પહેલા કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસની સામે પણ એલપીજી સિલિન્ડર મળી આવ્યું હતું. આ સાથે ટ્રેક પરથી કેટલાક જ્વલનશીલ પદાર્થો અને માચીસની લાકડીઓ મળી આવી હતી. આ ઉપરાંત ટ્રેક પર મોટા પથ્થરો રાખીને ડબ્બાઓને ડિરેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.