નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, શમી સહિત 26ને અર્જુન એવોર્ડ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રમત મંત્રાલયે બુધવારે 20 ડિસેમ્બરે રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ ભારતના બે યુવા બેડમિન્ટન સ્ટાર્સને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષનો ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડીને આપવામાં આવશે. આ બંનેએ વિશ્વભરમાં બેડમિન્ટન ડબલ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ખેલ મંત્રાલયે આ તમામ નામોની પુષ્ટિ કરી છે.
આ સન્માન જાન્યુઆરીમાં આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ માટે 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સન્માનિત થનાર ખેલાડીઓની પસંદગી તે વર્ષના તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. રમતગમત વિભાગ તેના નામની ભલામણ કરે છે.
રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિવિધ સમિતિઓની ભલામણોના આધારે અને સંપૂર્ણ તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે. મંત્રાલયે સન્માનિત થનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.
ખેલ રત્ન પુરસ્કાર, સત્તાવાર રીતે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાય છે, તે ભારતનું સર્વોચ્ચ રમતનું સન્માન છે. તે ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા દર વર્ષે એનાયત કરવામાં આવે છે.