મહાકાલ મંદિરની સુરક્ષામાં છિંડા, BJP MLAનો પુત્ર કાફલા સાથે પ્રવેશ્યો તો કલેક્ટરે કરી….

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોકની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. બીજેપી વિધાન સભ્યનો પુત્ર તેના વાહનોના કાફલા સાથે મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો, ત્યારબાદ ડીએમ અને એસપીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતો. આ પછી તરત જ વિધાન સભ્યના પુત્રના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
શુક્રવારે નાગ પંચમીના અવસર પર મહાકાલ મંદિરમાં લાખો ભક્તો એકઠા થયા હતા. દરમિયાન, મહાકાલ લોકની સુરક્ષા વ્યવસ્થાની પરવા કર્યા વિના, દેવાસના ભાજપના વિધાન સભ્ય ગાયત્રી રાજે પવારના પુત્ર વિક્રમ સિંહ પવાર તેમના વાહનોના કાફલા સાથે મહાકાલ લોકના પરિસરમાં પ્રવેશ્યા હતા. આ ઘટના બાદ ત્યાં હાજર વહીવટી અધિકારીઓનો ગુસ્સો વધી ગયો હતો. તેમણે વાહન ચાલકને ઠપકો આપ્યો હતો અને તેને તાત્કાલિક ત્યાંથી વાહનો હટાવવા પણ કહ્યું હતું. આ પછી ડીએમ અને એસપીએ કાફલાના વાહનોને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે ધારાસભ્યના પુત્રના કાફલામાં સામેલ ચાર વાહનો જપ્ત કર્યા હતા.
આ ઘટના શુક્રવારે બપોરે 3.30 કલાકે બની હતી. મહાકાલ લોકના આ પરિસરમાં VIP વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. આ સ્થળેથી VIP વ્યક્તિઓને પગપાળા અથવા ઈ-કાર્ટ દ્વારા મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. આમ છતાં વિધાન સભ્યના પુત્રનો કાફલો સીધો કંટ્રોલ રૂમમાંથી પસાર થઈને મહાકાલ લોક અને પછી માનસરોવર પહોંચ્યો હતો. આ દરમિયાન ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓએ વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના સમયે ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા કંટ્રોલ રૂમમાં વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. મહાકાલ લોકમાં વાહનોનો કાફલો જોતા જ તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી વાહનો રોકવા દોડી ગયા હતા. વાહન ચાલક સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેમણે વાહનો જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. જો કે આ દરમિયાન વિક્રમ સિંહ પવાર મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘વાહનોનો કાફલો અનધિકૃત રીતે ઘૂસ્યો છે. તમામને પકડીને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા છે.