બાંગ્લાદેશની સ્થિતિ અંગે સર્વપક્ષીય બેઠકમાં સરકારે આપી માહિતી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે સવારે બાંગ્લાદેશની સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 10 વાગે બોલાવવામાં આવેલી આ સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર તમામ રાજકીય પક્ષોના નેતાઓને બાંગ્લાદેશની સ્થિતિ અને ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. સરકાર તરફથી, વિદેશ પ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભાગ્યા હતા. તેઓ હાલમાં ભારતમાં છે. હસીનાએ રાજીનામું આપ્યાના થોડા સમય પછી, આર્મી ચીફ જનરલ વકર-ઉઝ-ઝમાને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી અને વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી.
શેખ હસીનાએ ગઈકાલે સાંજે દિલ્હીથી 30 કિમી દૂર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમનું સ્વાગત કર્યું હતું.
બાંગ્લાદેશની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સમગ્ર સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની તે ઉચ્ચ સ્તરીય મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વડાપ્રધાન મોદીને ભારત આવેલી શેખ હસીના સાથેની તેમની મુલાકાત, બાંગ્લાદેશની તાજેતરની રાજકીય સ્થિતિ અને ત્યાં સતત હિંસાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.