વિદ્યાર્થિની સાથે છેડતી કરનારા શિક્ષકને ભીડે ઢોરમાર મારી તેનું ઢીમ ઢાળી દીધું

ત્રિપુરાના ગોમતી જિલ્લામાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવા બદલ એક શાળાના શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાના બે દિવસ પછી શિક્ષકનું મૃત્યુ થયું હતું. આ શિક્ષક અંગ્રેજી ભાષા શીખવવાનું કામ કરતા હતા. પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી છે. જો કે, કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ત્રિપુરાના ગોમતી જિલ્લામાં ટ્યુશન દરમિયાન 40 વર્ષીય શિક્ષકે છોકરીની છેડતી કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ ગુરુવારે સરકારી શાળાના શિક્ષકને ખૂબ માર માર્યો હતો. મદદનીશ પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે આ ઘટના વિશે માહિતી આપતા કહ્યું હતું કે, તેને નિર્દયતાથી માર્યા પછી, સ્થાનિક લોકો તેને તેની પત્નીની હાજરીમાં શિક્ષકને આરકે પુર પોલીસ સ્ટેશન લઈ ગયા અને તેની સામે છેડતીનો કેસ દાખલ કર્યો હતો. ડોક્ટરોની સલાહ પર આરોપી રાતભર સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં રહ્યો હતો.
આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી, જોકે તેને શુક્રવારે સ્થાનિક કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અનંત દાસે કહ્યું હતું કે ઘરે પરત ફર્યા બાદ શિક્ષક બીમાર પડ્યા અને તેમને અગરતલાની જીબીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેણે જણાવ્યું હતું કે શનિવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક વિધાન સભ્ય અને રાજ્યના નાણા પ્રધાન પ્રણજીત સિંહ રોયે ‘પ્રતિષ્ઠિત અંગ્રેજી શિક્ષક’ પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘કોઈની પણ સામે આરોપ લગાવો તેનો વાંધો નથી, પરંતુ કાયદો તમારા હાથમાં લેવો એ ગુનો છે. આ ગુનામાં સંડોવાયેલા તમામ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.