સાસરિયાઓએ 16 વર્ષથી મહિલાને બંધક બનાવી, જીવતી જાગતી લાશ બની ગઇ
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ 16 વર્ષથી બંધક બનાવી રાખી હતી. શનિવારે આ બાબતની જાણ થતાં મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે નરસિંહપુર જિલ્લાના રહેવાસી કિશન લાલ સાહુએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રી રાનુ સાહુના લગ્ન 2006માં થયા હતા. 2008થી તેમની દીકરીના સાસરિયાઓએ તેમને મળવા દીધા ન હતા. દીકરીના દીકરા અને દીકરીને પણ તેની પાસેથી છીનવીને બીજે ક્યાંક મોકલી દેવામાં આવ્યા છે. પાડોશીઓએ માહિતી આપી છે કે સાસરિયાઓ દ્વારા ત્રાસ આપ્યા બાદ તેમની પુત્રીની હાલત ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દીકરી રાનુને બચાવીને તેની સારવાર કરાવવી જોઈએ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અરજી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પીડિતા રાનુને બચાવી લીધી હતી. હિલાની હાલત જોઈને પોલીસકર્મીઓ પણ ધ્રૂજી ગયા હતા.
જ્યારે પોલીસે રાનુને જોઈ તો તેની હાલત જોઈને બધા દંગ રહી ગયા હતા. 16 વર્ષથી કેદમાં રહેલી રાનુ હાડપિંજર જેવી થઈ ગઈ હતી. તેની ચામડી હાડકાં સાથે ચોંટી ગઈ હતી. 40 વર્ષની રાનુનું વજન 40 કિલોથી પણ ઓછું હતું અને તે બેભાન અવસ્થામાં હતી અને તેની હાલત ખૂબ જ ગંભીર દેખાતી હતી.
રાનુના સાસરિયાઓએ રાનુના પિતાના આરોપોને ખોટા ગણાવ્યા હતા, તેઓએ કહ્યું હતું કે રાનુ માનસિક રીતે નબળી હતી અને આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ તેની સારવાર કરાવી શક્યા નહોતા. જોકે, 16 વર્ષથી રાનુના પિયરિયાઓને રાનુને મળવા નહીં દેવા અંગેના સવાલોના તેઓ કોઇ જવાબ આપી શક્યા નહોતા. હાલમાં પોલીસ રાનુના પતિની પૂછપરછ કરી રહી છે.
જોકે, સાસરિયા તો ગમે તે કહે પણ રાનુ સ્વસ્થ થયા પછી જ સ્પષ્ટ થશે કે શા માટે તેના સાસરિયાઓએ તેને આટલા લાંબા સમય સુધી ગોંધી રાખી અને શા માટે તેને તેના પરિવારને મળવાથી રોકી હતી.