જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…
આમ આદમી પાર્ટી ( AAP)એ જમ્મુ કાશ્મીરમાં કમાલ કરી દેખાડી છે. આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાન સભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. AAPને હરિયાણામાં સારા પ્રદર્શનની આશા હતી, પણ પરિણામ કંઇક ઉલ્ટા જ આવ્યા છે. AAPએ જમ્મુ કાશ્મીરમાં એક સીટ પર જીત નોંધાવી છે અને ખાતુ ખોલ્યું છે. ડોડાથી AAPના ઉમેદવાર મેહરાજ મલિક ચાર હજારથી પણ વધુ મતોથી જીતી ગયા છે. તેમણે ભાજપના ઉમેદવાર ગજયસિંહ રાણાને હરાવ્યા છે. આ બેઠક અગાઉ 2014માં ભાજપ પાસે હતી. તે પહેલા આ બેઠક કૉંગ્રેસ પાસે હતી.
આ પણ વાંચો : ‘ચુંટણીમાં અતિ આત્મવિશ્વાસ સારો નથી…’ કેજરીવાલે આવું કેમ કહ્યું?
હકીકતમાં ડોડા બેઠક પર કોંગ્રેસે શેખ રિયાઝ અહેમદને ટિકિટ આપી હતી જ્યારે નેશનલ કોન્ફરન્સે ખલિબ નજીબ સુહરવર્દીને ટિકિટ આપી હતી. આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર હતી. AAPએ મેહરાજ મલિકને ટિકિટ આપી હતી.
મેહરાજ મલિક લાંબા સમયથી AAP સાથે જોડાયેલા છે. તેમને ડોડા પ્રદેશના લોકપ્રિય નેતા માનવામાં આવે છે. મલિકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડોડામાં મજબૂત બેઝ બનાવ્યો છે. 36 વર્ષીય મેહરાજ મલિકે ટૂંક સમયમાં જ ડોડામાં મજબૂત જનાધાર મેળવ્યો છે. તેમના ચૂંટણી પ્રચારમાં ભારે ભીડ જોવા મળતી હતી. આ પછી તેઓ લાઇમલાઇટમાં આવી ગયા હતા. પોતાના સોગંદનામામાં તેમણે 29 હજાર રૂપિયાની સંપત્તિ (એસેટ) અને 2 લાખ રૂપિયાની જવાબદારીઓ (લાયેબિલીટી) જાહેર કરી છે. શિક્ષણની વાત કરીએ તો મલિક પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેની સામે કેટલાક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે.
આ પણ વાંચો : J&K election: મુફ્તી પરિવારનો ગઢ તુટ્યો, આ બેઠક પર મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાની હાર
મલિકે આ વર્ષની શરૂઆતમાં ઉધમપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 90 વિધાનસભા મતવિસ્તારોમાંથી માત્ર સાત બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેના ગુજરાત અને ગોવામાં વિધાન સભ્યો પણ છે. હવે જમ્મુમાં પણ પાર્ટીના વિધાન સભ્ય બની ગયા છે.