આવી ગઇ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ: સીટ શેરિંગ મુદ્દે I.N.D.I. ગઠબંધનમાં વિવાદ…

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની પણ ચૂંટણી પંચે તારીખ જાહેર કરી કરી છે. ચૂંટણી પંચના ચીફ ઈલેક્શન અધિકારીના જણાવ્યા અનુસાર ઝારખંડના 24 જિલ્લાની 81 સીટ પર બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કાનું નોટિફિકેશન 18 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. નોટિફિકેશનની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર રહેશે. પ્રથમ તબક્કા માટે મતદાનની તારીખ 13 નવેમ્બર અને બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ચૂંટણીના પરિણામ 23 નવેમ્બરના આવશે.
ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ઝારખંડમાં 2.6 કરોડ મતદાર છે, જેમાં 1.29 કરોડ મહિલા અને 1.31 કરોડ પુરૂષ મતદાર છે. અહીંયા યુવા મતદારોની સંખ્યા 66.84 લાખ છે અને પ્રથમ વખત મતદાન કરનારાઓની સંખ્યા 11.84 લાખ છે. ઝારખંડમાં 29,562 મતદાન મથકો છે. મતદાતાઓની સુવિધા માટે દરેક કેન્દ્રમાં મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે ખુરશીઓ અથવા બેન્ચ મૂકવામાં આવશે, જેથી મતદારો તેમના વારાની રાહ જોતા હોય ત્યારે તેઓ બેસી શકે. આ સિસ્ટમ દરેક મતદાન મથક પર ઉપલબ્ધ રહેશે.
અહીં એ જણાવવાનું કે ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠક છે. છેલ્લી ચૂંટણીઓમાં, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) 30 બેઠકો જીતી હતી અને ભાજપે 25 બેઠકો જીતી હતી, જ્યારે 26 બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી. જેએમએમ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી હતી.
હરિયાણામાં કોંગ્રેસની હારથી પાર્ટીના હાથમાંથી મોટી સત્તા છીનવાઈ ગઈ છે. INDI ગઠબંધનમાં સહયોગી પક્ષોએ કોંગ્રેસની વ્યૂહરચના અને ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણામાં કોંગ્રેસનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. હરિયાણા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. જોકે, હજુ સુધી અહીં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનની પાર્ટીમાં સીટ શેરિંગનો મુદ્દો અટવાયેલો છે.
ઝારખંડમાં ગત વખતે કોંગ્રેસે 31 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ વખતે કોંગ્રેસ 33 સીટો પર પોતાનો દાવો કરી રહી છે. હેમંત સોરેનના નેતૃત્વમાં જેએમએમએ જણાવ્યું છે કે તેઓ 49 બેઠક પર ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઈને માત્ર 32 સીટ જ મળશે, જે માટે કોંગ્રેસ તૈયાર નથી. પણ હકીકત એ છે કે ઝારખંડમાં કૉંગ્રેસ ‘મોટા ભાઇ’ની ભૂમિકા ભજવી શકે તેમ નથી.