હવે આ પક્ષમાં જોડાશે કૈલાશ ગેહલોત, ગઈકાલે AAPમાંથી રાજીનામું આપ્યું હતું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે દિલ્હીની ‘AAP’સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. હવે કૈલાશ ગેહલોતને લઈને મીડિયામાં ઘણી અફવાઓ સામે આવી રહી છે અને એવા સમાચાર જાણવા મળ્યા છે કે કૈલાશ ગેહલોત સાંજે 5 વાગ્યે ભાજપમાં જોડાશે.
કૈલાશ ગેહલોતે AAP પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે લોકોની પીડા અને અધિકારો માટે લડવાને બદલે AAP ફક્ત રાજકીય એજન્ડા માટે લડી રહ્યું છે. આનાથી લોકોને મૂળભૂત સેવાઓની જોગવાઈ પણ કરી શકાતી નથી. કેજરીવાલને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ મેં મારી રાજકીય સફર દિલ્હીની જનતાની સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરી હતી અને હું તે ચાલુ રાખવા માંગુ છું, તેથી મારી પાસે પક્ષમાંથી દૂર થવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી અને હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.’
નજફગઢના વિધાન સભ્ય ગેહલોતે રવિવારે તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ગૃહ, વહીવટી સુધારણા, આઈટી અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે એ અંગે અટકળો ચાલી રહી હતી. દરમિયાન દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ કોઈપણ ભ્રષ્ટ વ્યક્તિને પોતાની પાર્ટીમાં સામેલ કરશે નહીં. જો તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો સાબિત થશે તો કોંગ્રેસ તેમને પોતાની પાર્ટીની સદસ્યતા લેવા દેશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેજરીવાલનું મૌન દર્શાવે છે કે તેઓ પોતે અને તેમની પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે, તેથી જ કેજરીવાલ કૈલાશ ગેહલોત વિરુદ્ધ ખુલીને બોલવા નથી માંગતા અને શક્ય છે કે બંને મળીને કોઈ મોટું રહસ્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોય.
ગેહલોતના રાજીનામા પર ભાજપના દિલ્હીના સાંસદ હર્ષ મલ્હોત્રાએ કહ્યું હતું કે ગેહલોતના રાજીનામાના પત્રથી સ્પષ્ટ દેખાય છે કે તેમનો ત્યાં ગૂંગળામણ થઈ રહી હશે. તેઓ દિલ્હીની જનતાને જવાબ આપી શકશે નહીં કે તેઓ મંત્રી હોવા છતાં દિલ્હીની જનતા માટે કંઈ કરી શક્યા નથી. શું ભાજપ હજુ પણ DTC કૌભાંડના આરોપમાં કૈલાશ ગેહલોતની ધરપકડની માંગ ચાલુ રાખશે? એવા સવાલના જવાબમાં મલ્હોત્રાએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં જે પણ સંડોવાયેલો જોવા મળશે તેને ચોક્કસ સજા થશે, પછી ભલે તે કોઈ પણ હોય.
આગામી ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એક તરફ આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને પણ આંચકો લાગ્યો છે. ભાજપના પૂર્વ વિધાન સભ્ય અનિલ ઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.