દિલ્હીમાં એક ઘરમાંથી 5 મૃતદેહ મળતા મચ્યો હડકંપ…

નવી દિલ્હીઃ દિલ્હીમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રંગપુરી વિસ્તારમાંથી, એક પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. ઘરમાંથી પિતા અને ચાર પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા એમ માનવામાં આવે છે કે પિતાએ તેની ચાર પુત્રીઓ સાથે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી છે.
આ પણ વાંચો : Jammu Kashmir માં ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
મળતી માહિતી મુજબ ચારેય દીકરીઓ વિકલાંગ હતી, જેના કારણે તેઓ ચાલી શકતી નહોતી. પરિવારમાં પિતા આ ચાર પુત્રીઓ સાથે રહેતા હતા. પહેલા દીકરીઓને સલ્ફા ખવડાવ્યા બાદ પિતાએ સલ્ફાની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. પિતાની ઓળખ હિરાલાલ તરીકે થઇ છે.
હિરાલાલ તેમના પરિવાર સાથે રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની પત્નીનું એક વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષની નિશી, 10 વર્ષની નીરુ અને 8 વર્ષની દીકરી નિધિનો સમાવેશ થાય છે.
ચારેય દીકરીઓ વિકલાંગતાને કારણે ચાલી શકતી ન હતી. આ બધું સંભાળવાની જવાબદારી હિરાલાલ પર હતી. હિરાલાલ વસંત કુંજ ખાતે આવેલી સ્પાઇનલ ઇન્જરી હોસ્પિટલમાં સુથાર તરીકે કામ કરતા હતા.
તમામ દીકરીઓના મૃતદેહ પહેલા રૂમમાં ડબલ બેડ પર પડ્યા હતા અને પિતાની લાશ બીજા રૂમમાંથી મળી આવી હતી. પાંચેયના મોઢામાંથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. આ ઉપરાંત તમામ દીકરીઓના પેટ અને ગળા પર લાલ દોરો બાંધવામાં આવ્યો હતો.
પોલીસને શુક્રવારે આ ઘટનાની માહિતી મળી હતી. હિરાલાલના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. લોકોએ પોલીસને જણાવ્યું હતું કે હિરાલાલનો પરિવાર ઘણા દિવસોથી જોવા મળ્યો નથી. ત્યાર બાદ પોલીસે મકાનમાલિક અને અન્ય લોકો સાથે મળીને દરવાજો તોડી નાખ્યો હતો.
પોલીસને એવા પુરાવા મળ્યા છે કે પરિવારે સલ્ફાનું સેવન કરીને આત્મહત્યા કરી છે, કારણ કે ઘરમાં સલ્ફાની કોથળીઓ મળી આવી છે. પોલીસે આ ઘટના અંગે દિલ્હીમાં રહેતા હિરાલાલના મોટા ભાઈ જોગીન્દરને જાણ કરી હતી. જોકે, હજુ સુધી પોલીસને સુસાઈડ નોટ તો મળી નથી પરંતુ મોતનું કારણ પુત્રીઓની વિકલાંગતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.