ઓટોમોબાઈલ સેક્ટરને દિવાળીઃ એક મહિનામાં પાંચ લાખથી વધુ કાર વેચાઈ…
દિવાળીની વર્તમાન સિઝન વેપારીઓ, સામાન્યજનો બધા માટે જ શુભ સાબિત થઇ છે. કાર કંપનીઓ માટે તો આ સિઝન બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર વર્ષ દરમિયાન ઓછા અને ધીમા વેચાણ બાદ તહેવારોની સિઝનમાં કારના વેચાણમાં તેજી જોવા મળી હતી અને ઓક્ટોબરની 25 તારીખ સુધીમાં 4.75 લાખ યુનિટના રજિસ્ટ્રેશનનો આંકડો પાર કરી ગયો છે, અને ઓક્ટોબર 2024ના અંત સુધીમાં કારનું રિટેલ વેચાણ 5 લાખને પાર કરી ગયું છે. વ્હીકલ ડેટા અનુસાર 31 ઓક્ટોબર સુધી દેશમાં 5.13 લાખ નવા વાહનો નોંધાયા હતા એટલે કે દરરોજ 16,550 કારનું વેચાણ થયું હતું. અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં રેકોર્ડ 3.99 લાખ કારનું રજીસ્ટ્રેશન થયું હતું. એમ માનવામાં આવે છે કે ઓક્ટોબર મહિનામાં એક સાથે અનેક તહેવારો આવ્યા હોવાથી કારની ડિમાન્ડ વધી છે. આ વખતે નવરાત્રિ, દશેરા, ધનતેરસ અને દિવાળી બધા ઓક્ટોબર મહિનામાં જ આવ્યા હોવાથી ગ્રાહકોમાં કારની ભારે માંગ જોવા મળી છે.
આ પણ વાંચો : કાર ખરીદવા ઈચ્છો છો? થોડી રાહ જુઓ, આ કંપનીની કાર્સ થઇ શકે છે સસ્તી
ચાલુ નાણાકીય વર્ષમાં દર મહિને સરેરાશ 3.33 લાખ વાહનોનું વેચાણ થયું છે, જે ગયા વર્ષ કરતાં 5% વધુ છે. ગયા વર્ષે 38 લાખ કારનું વેચાણ થયું હતું. દેશમાં પ્રથમ વખત, ઇલેક્ટ્રિક કારનું વેચાણ 10,000 યુનિટને વટાવી ગયું છે, જે વાર્ષિક ધોરણે 38% નો વધારો દર્શાવે છે. ડેટા પરથી એમ પણ જાણવા મળ્યું છે કે દેશમાં ખરીદદારો SUV અને પ્રીમિયમ કારમાં વધુ રસ ધરાવે છે.
મારુતિના કુલ વેચાણમાં 4%નો વધારો થયો છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પ્રથમ વખત બે લાખથી વધુ કારનું વેચાણ કર્યું છે. મારુતિનું કુલ વેચાણ 4% વધીને 206,434 થયું છે. આ ઉપરાંત મારૂતિએ 33,168 કારની નિકાસ પણ કરી છે.
મારુતિ સુઝુકીના SUV સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 20%નો વધારો નોંધાયો છે, જ્યારે નાની કારના વેચાણમાં 20%નો ઘટાડો થયો છે. જોકે, કંપનીએ દેશમાં સૌથી વધુ 1,59,591 કાર વેચી છે. SUV બનાવવાની બાબતમાં દેશની બીજી સૌથી મોટી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના SUV વેચાણમાં 25%નો વધારો જોવા મળ્યો છે. Hyundai Motors India એ 37,902 SUV વેચી છે, જે એક મહિનામાં તેનું સૌથી વધુ વેચાણ દર્શાવે છે. ભારતીય બજારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની SUVનું વેચાણ વાર્ષિક ધોરણે 25% વધીને 54,504 યુનિટ થયું છે.
હ્યુન્ડાઈએ સ્થાનિક બજારમાં 55,568 કારનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 55,128 હતું. ઉપરાંત, કંપનીની નિકાસ વાર્ષિક ધોરણે 6.7% વધીને 14,510 યુનિટ થઈ છે. હ્યુન્ડાઈ મોટરે તાજેતરમાં 3.3 બિલિયન ડોલરના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશ કર્યો છે.
JSW MG મોટર ઇન્ડિયાએ પણ વાર્ષિક ધોરણે 31% વધુ વાહનોનું વેચાણ કર્યું છે. ટોટલ વેચાણમાં ન્યૂ એનર્જી વ્હીકલ્સનો 70% હિસ્સો છે. ગયા મહિને લોન્ચ કરાયેલ, વિન્ડસરે 3,116 એકમોનું વેચાણ કર્યું હતું.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 85% વધારો થયો છે અને કુલ 1.39 લાખ ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. ગયા ઓક્ટોબર કરતા આ વર્ષે ટુ-વ્હીલરના વેચાણમાં જબ્બર વધારો થયો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં 1.39 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નોંધાયા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં નોંધાયેલા 75,164 ટુ-વ્હીલર કરતાં આ 85% વધુ છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 9,54,164 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 6,92,363 કરતાં 38% વધુ છે. ટુ-વ્હીલરના કુલ વેચાણમાં ઓલા ઈલેક્ટ્રીકનો સૌથી મોટો હિસ્સો હતો. કંપનીએ ઓક્ટોબરમાં 41,605 સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 74% વધુ છે.