આઉટ ઑફ કંટ્રોલ થયું ટ્રેનનું એન્જિન, ખેતરમાં દોડવા માંડ્યું
પટનાઃ બિહારના ગયામાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. અહીં એક રેલવે એન્જિન પાટા છોડીને ખેતરોમાં દોડવા લાગ્યું હતું. આ નજારો જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માલગાડીનું એન્જિન પાટા પરથી ઉતરી ખેતરમાં દોડવા માંડ્યું હતું.
બિહારના ગયા જિલ્લામાં કીલ રેલવે લાઇન પર વજીરગંજ અને કોલ્હાના વચ્ચે ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું. આ ઘટના શુક્રવારે સાંજે રઘુનાથપુર ગામ પાસે બની હતી. એન્જિનને લૂપ લાઈનમાં ગયા તરફ લઈ જવામાં આવી રહ્યું હતું, ત્યારે તે કાબૂ બહાર ગયું અને પાટા પરથી ઉતરીને પહોંચી ગયું હતું. સદનસીબે એન્જિન સાથે કોઈ બોક્સ જોડાયેલું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સમયે એન્જિનમાં માત્ર લોકો પાયલટ અને સહાયક લોકો પાઈલટ જ સવાર હતા, જેમને કોઈ ઈજા થઈ ન હતી. એન્જિન પાટા પરથી ઉતરતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. શુક્રવારે આ ઘટના બની હતી. ગામની નજીક રોડ પર ઉભેલા લોકોએ તેનો વીડિયો બનાવીને શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રેલવે એન્જિન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેલવે રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં રેલવે ટ્રેક અને રેલવે એન્જિનને આંશિક નુકસાન થયું હતું. રેલ્વે એન્જિનિયરોએ ઘટનાસ્થળે પહોંચીને માલગાડીને રિપેર કરીને આગળ મોકલી દીધી હતી. આ ઘટના કેવી રીતે બની તે હજુ સ્પષ્ટ થયું નથી. રેલવેના કોઈપણ અધિકારી આ અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.