આગ્રા Express-way પર ભયાનક અકસ્માત, કેસર પાન મસાલા કંપનીના માલિકની પત્નીનું મોત

પ્રખ્યાત પાન મસાલા કંપની કેસરના માલિક હરીશ માખીજાની પત્નીનું ઉત્તર પ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઇટાવા નજીક કેશર પાન મસાલા કંપનીના માલિક હરીશ માખીજાની પત્ની પ્રિતી માખીજાની કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
હરીશ માખીજાની પત્ની પ્રીતિ માખીજા, કાનપુરના પ્રખ્યાત વેપારી તિલક રાજ શર્માની પત્ની અને ડ્રાઈવર સાથે અકસ્માત કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં પ્રિતી માખીજાનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.
આ ઘટના શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે બની હતી. કાનપુરના અન્ય એક ઉદ્યોગપતિ તિલકરાજ શર્માના પરિવારના સભ્યો અને હરીશ માખીજાની પરિવારના અન્ય સભ્યો લગ્ન સમારોહમાં હાજરી આપવા કાનપુરથી આગ્રા જઈ રહ્યા હતા. તેમના કાફલામાં BMW અને ઈનોવા સહિત ત્રણ વાહનો હતા. બંને બિઝનેસમેન પોતાની પત્નીઓ સાથે એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર કરહાલ કટ પહેલા બંનેએ કાર રોકી હતી અને ફૂડ કોર્ટમાં કોફી પીવા માટે રોકાયા હતા. કોફી પીધા બાદ બંને વેપારીઓ એક કારમાં બેઠા હતા અને તેમની પત્નીઓને બીજા કારમાં બેસાડી હતી અને આગળ વધ્યા હતા. તે સમયે જોરદાર અવાજ આવ્યો હતો અને તેમની કારનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર કાબૂ બહાર જઈને અથડાઈ હતી.
પ્રીતિ માખીજાના પુત્ર પિયુષ માખીજાએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો અને કારની સ્પીડ પણ વધુ હતી. દરમિયાન અચાનક ટાયર ફાટતા માતાનું મૃત્યુ થયું હતું.
હરીશ માખીજા ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાના સંબંધી છે.