
નવી દિલ્હીઃ મહિલા આરક્ષણ બિલ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સહી કરી દીધી છે અને ત્યાર બાદ હવે આ બિલ એ કાયદો બની ગયો છે. ભારત સરકાર દ્વારા આ બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે.
ગુરૂવારે નારી શક્તિ વંદન અધિનિયમ બિલને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યના સભાપતિ જગદીપ ધનખડના હસ્તાક્ષર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે હસ્તાક્ષર કરવા માટે મોકલવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં જ સંસદના બોલાવવામાં આવેલા વિશેષ સત્ર દરમિયાન સંવિધાન સંશોધન બિલને લોકસભા અને રાજ્યસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો અને હવે એને નારી શક્તિ વંદન અધિનિયમના નામે ઓળખવામાં આવશે.

સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ બિલના નામે મહિલા અનામત બિલ 19મી સપ્ટેમ્બરના લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં બે દિવસ એના પર ચર્ચા કરવામાં આવી અને 20મી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવેલા મતદાનમાં બિલના પક્ષમાં 454 અને વિરુદ્ધમાં બે વોટ પડ્યા હતા.
ત્યાર બાદ 21મી સપ્ટેમ્બરના આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું અને અહીં તેના પક્ષમાં 214 વોટ મળ્યા હતા. વિપક્ષોએ આ બિલને સમર્થન તો આપ્યું છે પણ એને લાગુ કરવા માટે નક્કી કરવામાં આવેલી સરકારની જોગવાઈઓને પગલે સરકારની ટીકા પણ કરી હતી.