મુંબઇઃ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ શનિવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન ભાવુક થઈ ગયા હતા. ગોયલે હાથ જોડીને કોર્ટને કહ્યું હતું કે તેમણે જીવનની દરેક આશા ગુમાવી દીધી છે અને તેઓ તેમની વર્તમાન સ્થિતિમાં જીવવાને બદલે જેલમાં મરી જશે”. કોર્ટના રેકોર્ડ મુજબ, ‘સિત્તેર વર્ષના નરેશ ગોયલની આંખોમાં આંસુ હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે તેઓ તેમની પત્ની અનીતાને ખૂબ જ મીસ કરી રહ્યા છે, તે કેન્સરના એડવાન્સ સ્ટેજમાં છે.
નરેશ ગોયલ 538 કરોડ રૂપિયાના કેનેરા બેંક ફ્રોડ કેસમાં આરોપી છે. ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કથિત બેંક ફ્રોડ કેસમાં ગોયલની ધરપકડ કરી હતી. હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. નરેશ ગોયલે જજને અંગત રીતે હાજર રહેવા વિનંતી કરી હતી.
ગોયલે વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડે સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યવાહી દરમિયાન ગોયલે થોડી મિનિટો માટે વ્યક્તિગત સુનાવણીની વિનંતી કરી હતી, જેને ન્યાયાધીશે મંજૂરી આપી હતી. કોર્ટના દૈનિક સુનાવણીના રેકોર્ડ અનુસાર, ‘નરેશ ગોયલે હાથ જોડીને કહ્યું હતું કે તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. આ દરમિયાન તેઓ સતત ધ્રૂજતા હતા.
ન્યાયાધીશે કહ્યું હતું કે, ‘મેં તેમની વાત ધીરજથી સાંભળી અને જ્યારે તેમણે તેમના વિચારો રજૂ કર્યા ત્યારે તેમના પર ધ્યાન પણ આપ્યું. મેં જોયું કે તેમનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમને ઊભા રહેવા માટે પણ મદદની જરૂર હતી. પોતાના ઘૂંટણ તરફ ઈશારો કરતા નરેશ ગોયલે કહ્યું હતું કે તે સૂજી ગયા છે અને તેમને ભારે પીડા થાય છે અને તેઓ પગ વાળવામાં પણ અસમર્થ હતા. ગોયલ કોર્ટના ધ્યાન પર એ વાત પણ લાવ્યા હતા કે તેમને પેશાબ કરતી વખતે ભારે દુખાવો થાય છે અને કેટલીકવાર અસહ્ય પીડા સાથે પેશાબ વાટે લોહી પણ નીકળે છે. તેમણે કોર્ટને કહ્યું હતું કે, ‘મોટાભાગે મને મદદ મળતી નથી. જેલ સ્ટાફની પણ મદદ કરવાની મર્યાદા હોય છે.
કોર્ટ ડાયરી અનુસાર, નરેશ ગોયલે આંખોમાં આંસુ સાથે ન્યાયાધીશને કહ્યું હતું કે, ‘હું ખૂબ જ કમજોર થઈ ગયો છું અને મને જેજે હોસ્પિટલમાં રેફર કરવાનો કોઈ અર્થ નથી. અન્ય કેદીઓ સાથે આર્થર રોડ જેલથી હોસ્પિટલ સુધીની મુસાફરી ખૂબ જ કષ્ટદાયક અને કંટાળાજનક છે, જે હું સહન કરી શકતો નથી. હંમેશા દર્દીઓની લાંબી કતારો લાગે છે અને હું સમયસર ડૉક્ટર સુધી પહોંચી શકતો નથી. અને જ્યારે પણ ડોકટરો મારી તપાસ કરે છે, ત્યાર બાદ વધુ ફોલો-અપ શક્ય નથી બનતા. આ વસ્તુઓની મારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. મારી પત્ની અનિતા કેન્સરના એડવાન્સ સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. તેની સંભાળ રાખનાર કોઈ નથી. કારણ કે મારી એકમાત્ર દીકરી પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહી છે.
તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે, ‘મને જેજે હોસ્પિટલમાં ન મોકલવામાં આવે અને તેના બદલે મને જેલમાં જ મરવા દો. મેં જીવનની દરેક આશા ગુમાવી દીધી છે અને આવી સ્થિતિમાં જીવવા કરતાં મરવું સારું છે. નરેશ ગોયલે એમ પણ કહ્યું હતું કે તેમની તબિયત તેમને કોર્ટમાં રૂબરૂ હાજર થવા દેતી નથી. આ વખતે તેમની ઈચ્છા હતી કે તેને કોર્ટમાં હાજર કરવામાં આવે જેથી તેઓ રૂબરૂમાં બધું કહી શકે. ગોયલની વાત સાંભળ્યા બાદ ન્યાયાધીશે કહ્યું હતું કે, ‘તમારી દરેક વાત પર મેં ધ્યાન આપ્યું છે. તેમને એવી પણ ખાતરી આપવામાં આવી છે કે તેમને નિઃસહાય છોડી દેવામાં નહીં આવે અને યોગ્ય સારવારની સાથે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની પણ દરેક શક્ય કાળજી લેવામાં આવશે.
કોર્ટે નરેશ ગોયલના વકીલોને તેમના સ્વાસ્થ્ય અંગે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા મહિને દાખલ કરવામાં આવેલી તેમની જામીન અરજીમાં, ગોયલે હૃદય રોગ, પ્રોસ્ટેટ અને ઓર્થોપેડિક જેવા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ‘તેઓ દોષિત નથી’ એમ માનવા માટે તેમની પાસે પૂરતા અને વાજબી કારણો છે. EDએ તેમની જામીન અરજી પર પોતાનો જવાબ દાખલ કર્યો છે અને કેસની વધુ સુનાવણી 16 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
ED એ CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની એફઆઈઆરના આધારે કેનેરા બેંકમાં રૂ. 538 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં જેટ એરવેઝ, નરેશ ગોયલ, તેની પત્ની અનિતા અને હવે બંધ થઈ ગયેલી ખાનગી એરલાઇન કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ સામે મની લોન્ડરિંગના આરોપો દાખલ કર્યા છે. તેમની સામે પ્રિવેન્શન ઓફ ચાઈલ્ડ એબ્યુઝ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેનેરા બેંક દ્વારા જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડને રૂ. 848.86 કરોડની ક્રેડિટ અને લોન મંજૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાંથી બેંકે રૂ. 538.62 કરોડ લેવાના બાકી છે.
Taboola Feed