
નવી દિલ્હી: દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય નરેશ બાલિયાનની (Naresh Balyan) ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ બાદ બાલિયાનની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આપના ધારાસભ્ય વિરુદ્ધ આ કાર્યવાહી 2023ના વર્ષના ખંડણીના કેસમાં કરવામાં આવી છે. ભાજપ દ્વારા નરેશ બાલિયાનની એક ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી.
ખંડણીનો છે કેસ
આપના ધારાસભ્ય બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. આ વાતચીતમાં કથિત રીતે ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણીની રકમ વસૂલવાની ચર્ચાની વાત કરવામાં આવી રહી હતી. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે.
ભાજપે વાયરલ કરી હતી ઓડિયો ક્લિપ
ઉત્તમ નગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની એક કથિત ઓડિયોક્લીપ ભાજપના નેતા અમિત માલવિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં ગેંગસ્ટર દ્વારા બિલ્ડર પાસેથી ખંડણી માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, બાલિયાનને આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જ્યારે કેજરીવાલજીએ ભાજપને કાયદો અને વ્યવસ્થા દ્વારા ઘેરી ત્યારે ભાજપે વર્ષોજુની ખોટી વાતોને ન્યુઝમાં લાવ્યા હતા.